January 21, 2025

રાજ્યના પાટનગરમાં ચોરીના કિસ્સામાં વધારો, બે મોટી ચોરીની ઘટના

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં દિનપ્રતિદિન ચોરીના કિસ્સા વધી રહ્યા છે. એક સપ્તાહની અંદર વલાદ ગામમાં બે મોટી ચોરીની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે વલાદ ગામની બાજુમાં આવેલા ફિરોઝપુર ગામમાં ચોરની ટોળકી ત્રાટકી હતી. જેમણે પરિવારના સભ્યોને બંધક બનાવીને ઘરમાંથી લાખો રૂપિયાની લૂંટ કરી છે.

ગાંધીનગર તાલુકાના વલાદ નજીક આવેલ ફિરોજપુર ગામે લૂંટની ઘટના બની હતી. ફિરોજપુર ગામમાં રહેતા રામાજી અમાજી જાદવના ઘરે આવેલા બુકાનીધારી લુંટારુઓએ દંપતીને માર મારી આશરે 15 લાખની લૂંટ કરી નાસી છૂટયા હતા. આશરે 10 જેટલા લોકો પાઇપો અને છરા સાથે આવ્યા હોવાનું ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું. મધ્યરાત્રિએ લુંટારુઓ ઘરના પાછલા બારણેથી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘર માલિક રામાભાઈ પર હુમલો કર્યો હતો. એ બાદ દંપતીને ઘરના રસોડામાં બંધક બનાવી 1 લાખ 86 હજાર રૂપિયા રોકડ અને દાગીના સહિત આશરે 15 લાખ રૂપિયાની લુંટ ચલાવી નાસી છૂટયા હતા. ઘર માલિક રામાજી જાદવને ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આશરે 25 થી 30 વર્ષના 10 જેટલા યુવાનો બુકાની બાંધીને લુંટ ચલાવી હતી. જો કે ભોગ બનનારાએ આ મામલે ડભોડા પોલીસે ફરિયાદ કરતા જ ગાંધીનગર જિલ્લા એફએસસેલ અને ફિંગરપ્રીન્ટ એક્સપર્ટ ટીમની મદદથી પોલીસે આરોપીઓને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે.

નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા વલાદ પાસે આવેલ એક ખાનગી શાળામાં તસ્કરની ટોળકી ત્રાટકી હતી. જેમાં લુંટારૂઓએ સ્કૂલમાંથી 10 લાખ રૂપિયાની ચોરી હતી. જો કે શાળાના ટ્રસ્ટી અને આચાર્યએ આ મામલે ડભોડા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં શાળાએ જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં બાળકોને કચ્છના પ્રવાસે લઈ જવાનું હતું. આ પ્રવાસના રૂપિયા ચોર સાફ કરી ગયા હતા. આ ઉપરાંત સ્કૂલમાં રહેલા ચાંદીના સિક્કાની પણ લૂંટ ચલાવી હતી. જોકે આ મામલે ડભોડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.