May 20, 2024

ખોટા ખર્ચા ટાળવાના આહ્વાન સાથે ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા

ગાંધીનગર: ઠાકોર વિકાસ મંડળ – દસક્રોઈ ઠાકોર સમાજ દ્વારા આજે સવારે રામ વાડી – ભુવાલડી ખાતે 11મો સમૂહ લગ્નોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. જેમાં 51 જેટલા નવયુગલે પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ સમારંભમાં અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

51 નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર-પૂજા વિધિ સાથે પ્રભુતામાં પગલાં માંડયા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા નવદંતપીઓને આશિર્વાદ સાથે દાન પણ અપાયુ હતું. આ નવ યુગલોને સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી ઘર વખરીની સામગ્રી જેવી કે ફ્રીઝ, ઘરઘંટી, મિક્ષચર, વાસણોના સેટ તથા પલંગ-ગાદલા પણ આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે, સમૂહ લગ્નો હંમેશા આવકારદાયક છે. કારણ કે લગ્ન પાછળ મોટા ખર્ચા ટાળવા જોઈએ. પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સમારંભના દાતાઓને અભિનંદન આપીને ભગવાન શ્રી રામ નવયુગલોને ખુશ રાખે તેવા આર્શીવાદ આપે તેમ કહ્યું હતું .

સમૂહ લગ્નોત્સવના આયોજન સાથે સંકળાયેલા અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય જનકભાઈ ઠાકોર તથા જિલ્લા પંચાયતના સભ્ય કુંજનસિંહ ચૈહાણે કહ્યું હતું કે, દસક્રોઈ ઠાકોર વિકાસ મંડળ દ્વારા સતત 11મી વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ છે. જેમા ખાસ કરીને સમાજ દ્વારા લગ્ન સમારંભમાં મોટા ખર્ચ કરવાનું ટાળવામાં આવે અને સમાજના નવ દંપતીઓને એકડ મંડપ નીચે બધી જ સુવિધા સાથે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતું. જેમા અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના 51 જેટલા નવયુગલે ભાગ લીધો હતો.

આ સમૂહ લગ્નોત્સવ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ભુવાલડી ખાતે આજે સવારે યોજાયેલા આ સમૂહ લગ્ન સમારંભમાં 10 હજાર કરતાં વધુ સગા સંબંધીઓ- મહેમાનો તથા રાજકિય આગેવાનો, સંતો મહંતો પણ આર્શીવાદ આપ્યા હતા.