December 29, 2024

પ્રેમસંબંધનો વહેમ રાખીને બે ભાઈઓએ પાડોશમાં રહેતા યુવકની કરી હત્યા

અમિત રૂપાપરા સુરત: સુરતના લિંબાયતમાં બહેન સાથે પ્રેમસંબંધનો વહેમ રાખીને બે ભાઈઓએ ઘરની સામે રહેતા યુવકની હત્યા કરી છે. નુરાની મસ્જિદ પાસે બે ભાઈઓએ મળીને ઘરની સામે જ રહેતા એક યુવક ચપ્પુના ઘા ઝીંક્યા હતા. આ બનાવમાં છોડાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ ચપ્પુ માર્યું હતું. બંને યુવકો ઈજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ એક યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતક યુવકના પરિવારજનોના નિવેદનો લીધા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને હાલ શોધખોળ હાથ ધરી છે.

પેટમાં ચપ્પુના ઘા માર્યા
લિંબાયતના નૂરાની મસ્જિદ પાસે આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસ્લખાન કાજી તેમજ તેનો મિત્ર ફૈઝલ ગત મોડી રાત્રે નૂરાની મસ્જિદ પાસે જોધપુર સ્વીટ્સના ઓટલા પર બેઠા હતા, ત્યારે આરોપી બે ભાઈઓ સમીર મર્દાનગી અને આમીન કાલુ તીક્ષ્ણ હથિયારો લઈને ત્યાં આવ્યા હતા. જેમાં સમીરે પાછળથી શહેબાઝને પકડી રાખ્યો હતો જ્યારે આમીનએ શહેબાઝના પેટમાં ચપ્પુના ઘા માર્યા હતા. બનાવમાં શહેબાઝનો મિત્ર ફૈઝલ છોડાવવા માટે વચ્ચે પડતા બંને ભાઈએ મિત્રને પણ પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.

આ પણ વાંચો: મિત્ર દ્વારા અન્ય મિત્ર પર જીવલેણ હુમલો, પોલીસે આરોપીની ધરપકડ કરી

હુમલા બાદ બંને ભાઈઓ સ્થળ ઉપરથી ભાગી ગયા હતા. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયેલા શહેબાઝ કાઝી અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે એપ્પલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર બાદ સવારે શહેનબાઝ ખાન કાઝીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મિત્ર ફૈઝલને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, ઘટના અંગે જાણ થતા લિંબાયત પોલીસનો સહિત ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. તેમજ મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે મરનાર શહેબાઝના ભાઈ અરબાઝ ખાન કાઝીની ફરિયાદ લીધી હતી. ફરિયાદ આધારે આરોપી સમીર મર્દાનગી અને તેના ભાઈ આમિન કાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાને પકડવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.