April 18, 2024

રૂપાલાના નિવેદન અંગે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજની પ્રતિક્રિયા, જાણો શું કહ્યુ

જયવીરરાજસિંહ ગોહિલ - ફાઇલ

ભાવનગરઃ પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, ‘ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો હું પણ વિરોધ કરું છું.’

તેમણે આગળ જણાવ્યુ હતુ કે, ‘સત્તાની ઘેલછામાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે યોગ્ય નથી. દુર્ભાગ્ય છે કે આવા શબ્દો કોઈના મોઢામાંથી નીકળે અને તે પણ વરિષ્ઠ નેતાના મોઢામાંથી નીકળે. રૂપાલા સાહેબને જ્યારે પણ મળ્યો છું માન સન્માન રાખ્યું છે. તેમના મોઢામાંથી આવા નીચ શબ્દો આવ્યા તેનાથી હું પણ આશ્ચર્યચકિત હતો. હવે સમાજ નિર્ણય લેશે કે માફી આપે છે કે કેમ’

આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?

તેઓ વધુમાં જણાવે છે કે, ‘એ વ્યક્તિનો 40-50 વર્ષનો સારો ટ્રેક રેકોર્ડ છે. એવું નથી કે, રૂપાલા ખરાબ વ્યક્તિ છે મારા આદર્શ છે. તેમની ટિકિટ જતી રહે એ નક્કી કરનારો હું નથી. રાજપૂત એ જ વ્યક્તિ હોય છે કે બીજા સમાજની રક્ષા કરે. હું 24 કલાક રાજપૂત સમાજ સાથે છું, રહેવાનો છું. મારા માટે સમાજથી ઉપર કોઈ વ્યક્તિ નથી. રૂપાલાજીના જે શબ્દો હતા, ‘બેટી અને રોટીનું, તો આ જ કારણોએ રાજા-મહારાજા અને રાજપૂતો બલિદાનો આપતા હતા. આજે ભગવો દેશમાં લહેરાય છે તે તેમના બલિદાનને કારણે લહેરાય છે.’

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજની ચીમકી – રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે BJP

તેઓ કહે છે કે, ‘રાજપૂત સમાજે અનેક સંઘર્ષો સાથે બલિદાનો આપ્યા છે એ વાત ન ભૂલવી જોઈએ. મને એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક આ વ્યક્તિને આપણે વધુ મહત્વ આપીએ છીએ, તેવું કરવાની જરૂર નથી. બીજી રીતે પણ ગુસ્સો બતાવી શકાય છે. મારી એવી ઈચ્છા છે કે, બીજેપીમાં રાજપૂત સમાજના નેતાઓ છે તે આગળ આવે રાજપૂત સમાજના વડીલો સાથે વાત કરે. બીજા સમાજ સાથે કોઈ અન્યાય થાય તો રાજપૂત સમાજ આગળ આવે છે તેમ અન્ય સમાજ પણ સાથે આવે.’