December 23, 2024

Porbandar : ગાંધી સ્કૂલે પ્રવાસી શિક્ષકોને કર્યા છૂટા

પોરબંદરની એમ.કે.ગાંધી સ્કૂલમાંથી 25 પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવ્યા છે. જેના કારણે શાળાના 1100 બાળકોનું ભાવિ મુશ્કેલીમાં આવી ગયું છે. ABVPના કાર્યકરોએ શિક્ષકોના પક્ષમાં શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. જેનું નિરાકરણ નહીં આવતા કાર્યકરોએ શાળાને તાળાબંધી કરી છે. જે બાદ પોરબંદર પોલીસે તમામ કાર્યકરોની સ્કૂલમાંથી અટકાયત કરી છે. શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અછતના કારણે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના ઠરાવ મુજબ છૂટા કરાયા
ગુજરાત સરકારે માધ્યમિકમાં 4200 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 3500 જ્ઞાનસહાયકોની ભરતી કરી છે. ઉલ્લેખનીય છેકે, જ્ઞાન સહાયકોની ભરતીમાં મોડું થવાનાં લીધે શિક્ષણ વિભાગે 27 જુલાઈ 2023નાં ઠરાવ થી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રવાસી શિક્ષકોને છ મહિના સમય વધાર્યો હતો. આ શિક્ષકોની વધારેલી સમય મર્યાદા 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. તેથી રાજ્યભરની સરકારી સ્કૂલોમાં ભણાવતા પ્રવાસી શિક્ષકોને 24 જાન્યુઆરીથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છેકે, અગાઉ જ્ઞાન સહાયકોની જગ્યા પર સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના ભણતર પર પડશે અસર
શાળાઓમાં એક તરફ શિક્ષકોની અછત હતી. તેની વચ્ચે પ્રવાસી શિક્ષકોને છૂટા કરતા સીધી અસર વિદ્યાથી અને વાલીઓને ભોગવવાની રહેશે. પોરબંદરની આ શાળામાં વર્ષ 2022માં વાલીઓની અનેક રજૂઆતો બાદ વિદ્યાર્થીઓ માટે પ્રવાસી શિક્ષકોની ભરતી માટે મંજૂરી મેળવવામાં આવી હતી.