May 3, 2024

ખજાનાની શોધમાં નીકળ્યાને મળ્યા ત્રણ બળેલા મૃતદેહ

અમદાવાદ: કર્ણાટકના તુમાકુરૂમાં એક કારની અંદર ત્રણ લોકોના બળેલા મૃતદેહ મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મંગલુરૂના વેલથાનગાડી તાલુકાના રહેવાસી છે. મળતી માહિતી અનુસાર આ ત્રણ લોકોને કોઈ ખજાનાની લાલચ આપીને બોલાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને લૂંટીને એક તળાવ કિનારે તેમની હત્યા કરીને આખી કારને સળગાવી નાખી હતી. તુમાકુરૂના એસપી અશોક કે.વી. એ કહ્યું કે, તપાસની ટીમને આ સમગ્ર ઘટના અંગે ઘણા ખાસ પુરાવાઓ મળ્યા છે. જલ્દી જ આ ગેંગને પકડી લેવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, કુચાંગી ગામની પાસે એક તળાવના કિનારે બળેલી અવસ્થામાં કાર પડી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે કારમાં ત્રણ લોકોના બળેલા શબ પણ મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે આ ત્રણે લોકોની હત્યા બીજી કોઈ જગ્યાએ થઈ છે. જે બાદ આ મૃતદેહોને અહીં લાવીને છોડી દેવામાં આવ્યા અને કારને આગ લગાવવામાં આવી. આ કેસ સંબંધિત ઘણી માહિતી મળી ચૂકી છે. જેથી તેના ગુનોગારોને ઝડપથી પકડી પાડવામાં આવશે.

પોલિસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલો કોઈ છુપાયેલા ખજાના સંબંધિત છે. આરોપીઓએ ત્રણે લોકોને આ ખજાનાની લાલચ આપીને બોલાવ્યા હતા. આરોપીઓએ કહ્યું કે તેમને કોઈ ખજાનો મળ્યો છે. જેમાં સોના અને ચાંદી છે. આ વસ્તુઓને તેઓ ઓછી કિંમતમાં વેચવા માંગે છે. જ્યારે પૈસા લઈને આ ત્રણે લોકો ત્યાં પહોંચ્યા તો આરોપીઓએ પૈસા ચોરી લીધા અને તેની હત્યા કરીને ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ગુનામાં 6 લોકો સામેલ છે. જેમાંથી 3 લોકોની ઓળખ થઈ ચૂકી છે.

ફોરેન્સિક રિપોર્ટ અનુસાર સામે આવ્યું છેકે તેમની હત્યા કોઈ બીજી જગ્યાએ કરવામાં આવી અને તેમને અહીં લાવવામાં આવ્યા છે. હત્યા બાદ તેમના મૃત શરીરને સળગાવવામાં આવ્યા છે. આરોપીઓને હતું કે સળગાવવાના કારણે મૃતકોની ઓળખાણ જલ્દી નહીં થઈ શકે, પરંતુ એવું ના થયું. મરનાર વ્યક્તિમાં એક રિક્ષા ડ્રાઈવર શાહુલ, આઈજક અને ઈમ્તિયાજ છે.