ઇકો ઝોનના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન, ગીર ગઢડામાં એકત્રિત થયા હજારો ખેડુતો
ગીર સોમનાથ: ઇકો ઝોનના નવા સંભવિત કાયદાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ઇકો ઝોન નીચે આવતા સોમનાથ જિલ્લાના ઉના ગીર ગઢડા અને કોડીનારના ગામોમાં સંભવિત નવા કાયદાની વિરુદ્ધમાં ભારે લોક જુવાળ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતો સરપંચો અને આપ પાર્ટી પણ તેમને સમર્થન આપીને આ વિસ્તારમાં લાગુ થવા જઈ રહેલા નવા કાયદાને લઈને તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઇકો ઝોનને લઈને ગીર સોમનાથ જિલ્લામાં વિરોધ ઉઠ્યો છે. ઇકો ઝોન નાબૂદ કરવા માટે આજે ગીર ગઢડા શહેર ખાતે બહોળી સંખ્યામાં ખેડુતો એકઠા થયા હતા. ગીર ગઢડા તાલુકાના 29 અને ઉના તાલુકાના 2 ગામોનો ઇકો ઝોનમાં સમાવેશ થતા આ વિસ્તારના ખેડૂતોએ થોડા દિવસો પેલા પણ એકઠા થઈને ઇકો ઝોન વિરૂદ્ધ સેવા સદન ખાતે આવેદન આપ્યું હતું. આ વિસ્તારના ખેડુતો ઇકો ઝોન નાબુદ કરવા મક્કમ બન્યા છે. જો કે આજે યોજાયેલ મહા સંમેલનમાં સ્થાનિક ભાજપના કાર્યકરો ગેરહાજર હતા જયારે આપ પક્ષના નેતાઓ વધુ પ્રમાણમાં આવેલા હતા. તેમજ અન્ય તાલુકાના લોકો એ આવી ને વિરોધ દર્શાવ્યો હતો.
ખેડુતો એ જણાવેલ કે આવનારા સમયમાં 60 દિવસ બાદ જો ઇકો ઝોન નો કાયદો નાબૂદ નહિ થાય અને સરકાર આ કાળો કાયદો લાવશે તો તેની સામે કાયદાકીય લડત આપશે. અને જરૂર પડ્યે ખેડુતો ગાંધીનગર જઈને આંદોલન છેડશે. આમ ઉના અને ગીરગઢડા તાલુકાના 31 જેટલા ગામોના ખેડૂતો ગીર ગઢડા ખાતે કોળી સમાજની વાડીમાં એકઠા થઇ અનેક મુદ્દાઓ સાથે રાજકીય નેતાઓ એ આ કાળો કાયદાનો વિરોધ કર્યો હતો.