November 18, 2024

શેરબજારમાં મંગળવાર રહ્યો ‘અમંગળ’

ભારતીય શેર માર્કેટ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યુ હતું. જે બાદ એવી આશા હતી કે આજનો મંગળવાર રોકાણકારો માટે મંગલમય બની રહેશે. તેની સામે સાંજ થતા થતા આ આશા નિરાશામાં ફરી ગઈ છે. સેન્સેક્સ 1053ના ઘટાડા સાથે 70,370 પર બંધ રહ્યું છે. જેના કારણે રોકાણકારોના 8 લાખ કરોડ રૂપિયા ડુબ્યા છે.

બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 1053 પોઈન્ટ ઘટીને 70,370 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટના કેપમાં રૂ.8 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર લીલા નિશાનમાં જ્યારે 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 વધ્યા અને 40 નુકસાન સાથે બંધ થયા. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. એક ડોલર સામે રૂપિયો 8 પૈસા નબળો પડ્યો અને 83.15 રૂપિયા પર બંધ થયો.

આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 2.26 ટકા અથવા 1043 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર હેલ્થકેર અને ફાર્મા સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેર પણ મોટા ઘટાડા સાથે બંધ થયા છે.

શેર બજારમાં મોટા ઘટાડા સાથે રોકાણકારોને બહું મોટું નુકસાન થયું છે. બીએસઈ પરના લિસ્ટેડ સ્ટોત્સના માર્કેટ કૈપિટલાઈજેશન 366.04 લાખ કરોડ રુપિયા રહ્યું છે. જે ગત સત્રમાં 374.38 લાખ કરોડ રુપિયા પર રહ્યું છે. એટલે આજે આ સત્રમાં રોકાણકારોના 8.34 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

આજના ટ્રેડમાં સનફાર્મા 4.05 ટકા, ભારતી એરટેલ 3.37 ટકા, આઈસીઆઈસીઆઈબેંક 2.10 ટકા, પાવર ગ્રિડ 0.27 ટકા, બજાજ ફિનસર્વ 0.13 ટકાની તેજીની સાથે બંધ રહ્યો છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક 5.87 ટકા, એસબીઆઈ 4.19 ટકા, એચયૂએલ 3.81 ટકા, એચડીએફસી બેંક 3.45 ટકાની ઘટાડા સાથે બંધ રહ્યું છે.