May 4, 2024

લોકસભાની 26 બેઠકનું ચિત્ર સ્પષ્ટ, 491 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણીને લઈને ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. જેમાં લોકસભાની 26 બેઠકો માટે સમગ્ર રાજ્યમાં 491 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 39 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોકે આજે ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લાઓના કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારની ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં પણ ઉમેદવારના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં લોકસભા સહિત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે એટલે કે આગામી 7 મીના રોજ ગુજરાત રાજ્યમાં ચૂંટણી યોજાવનારી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠક સહિત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર જે પેટા ચૂંટણી યોજાવાની છે તે બેઠકો ઉપર ગત 12 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. જોકે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ હતો, ત્યારે ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે લોકસભાની 26 બેઠકો માટે કુલ 491 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની તૈયારી દાખવી હતી.

આ પણ વાંચો: મતદાન પછી EVM મશીનોનું શું થાય છે? જાણો આખી પ્રક્રિયા

જેમાં ભાજપ પક્ષના 76 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી 60 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીમાંથી સાત ઉમેદવાર જ્યારે અપક્ષમાંથી 188 તો રાજ્યમાં અન્ય પાર્ટીઓના 160 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી તરફ નજર કરીએ તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધીમાં કુલ 39 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી નજર કરીએ તો ભાજપ પક્ષના 10 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે જ્યારે કોંગ્રેસ પક્ષના 12 આમ આદમી પાર્ટીના 0 અપક્ષ 16 અને અન્ય પાર્ટીના એક ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી છે.

ગઈકાલે લોકસભાની 26 બેઠકો સહિત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી માટે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. તે તમામ ફોર્મની આજથી જિલ્લા કક્ષાએ રહેલ રિટનિંગ ઓફિસરની કચેરી ખાતે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કેટલાક જિલ્લામાં તો ઉમેદવારના ફોર્મમાં સામાન્ય ભૂલો અથવા તો વિગતો છુપાયા હોવાની પણ ઘટના પ્રકાશમાં આવતા રિટનિંગ ઓફિસર દ્વારા તે ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે ડમી ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. તેવા ઉમેદવારના પણ ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે.

હવે લોકસભાની 26 બેઠકો ઉપર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે અને વિધાનસભાની પેટા ચૂંટણી પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે. હજુ ઉમેદવારોને પોતાનું ફોર્મ પરત કરવું હોય તો તેમને 22 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આથી 22 એપ્રિલ સુધી કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.