ગીર વિસ્તારમાં ઇકો સેન્સટિવ ઝોનના વિરોધ વચ્ચે વન વિભાગ એક્શનમાં આવ્યું
અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર વિસ્તારમાં ઇકો સેન્સટિવ ઝોનનો જોરદાર વિરોધ નોંધાયો છે તો બીજી તરફ હવે વન વિભાગ દ્વારા પણ કવાયત શરૂ કરી છે. વન વિભાગ દ્વારા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગીર વિસ્તારમાં કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ઇકો ઝોનનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને આખરે વન વિભાગે પણ ઇકો ઝોન લાગુ કરવા રણનીતિ બનાવી છે.
વન વિભાગ દ્વારા આજે સાસણ ગીર અને ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બને માટે ફાયદાકારક છે. ઇકો ઝોનના આવવાથી ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહિ પડે. અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો ઇકો ઝોનમાં સમાવેશ થયો છે. કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખી લડત ચલાવી રહ્યું છે.
વનવિભાગનુ કેહવું છે કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ ફરક નહીં પડે. કારણ કે, ગૃહ ઉદ્યોગ તબેલા મકાન બનાવવા અને ડેરી ખોલવા સહિતના તમામ વસ્તુઓ માટે છૂટછાટ છે. પરંતુ, ખનન કરવું અને મોટા ઉદ્યોગો નહિ કરી શકાય. જેથી ખેતી કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ અસર નથી. એક તરફ કિસાન સંઘ ગામડે ગામડે જઈને ખેડૂતોને એક કરી રહ્યું છે. તો હવે વન વિભાગ અને તંત્ર પણ ગામડે ગામડે જઈ ગ્રામ સભા યોજસે અને ઇકો ઝોનથી ખેડૂતોને કોઈ નુકશાન નથી અને ખોટી અફવાઓમાં ધ્યાન ન આપવા અપીલ કરશે.