ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ શાંત કરવા ધારી વન વિભાગે કરી સ્પષ્ટતા
દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે જ્યાં એક તરફ સ્થાનિકો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ થઈ રહેલા વિરોધને શાંત કરવા માટે હવે વન વિભાગ કામે લાગ્યું છે. જેને પગલે વનવિભાગ સામે ઉભો થયેલા વિરોધને શાંત કરવા માટે અને ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રહેલી ગેરસમજ દૂર કરવા માટે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનથી કોઈ જ પ્રકારની અડચણો ઉભી થવાની નથી. ઈકો સેન્સિટિવઝોન માત્ર અને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ પરેશાની નહી પડે.
સાથે જ તેમણે જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઈકો સેન્સેટીવ ઝોન 389 ગામોમાં લાગુ છે. પરંતુ, હવે આ નવા નોટીફીકેશન લાગુ થતાંની સાથે જ માત્ર 196 ગામોનો સમાવેશ થશે. એટલે એક રીતે નવા ઈકો સેન્સિટિવ ઝોનમા ક્ષેત્રફળ ઘટાડવામાં આવ્યું છે.