January 28, 2025

આચારસંહિતા ભંગ બદલ ચૂંટણીપંચને સુરતમાંથી બે ફરિયાદો મળી

અમિત રૂપાપરા, સુરત: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી થઈ ગઇ છે. સુરત લોકસભા મતવિસ્તારમાં સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં 24 કલાક કંટ્રોલરૂમની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ 1950 નંબર પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને મતદારો આગામી ચૂંટણીને લઇને માર્ગદર્શન મેળવી શકે છે. સુરતમાં આચારસંહિતા ભંગની બે ફરિયાદો ચૂંટણીપંચને મળી છે. જેમાંથી એક ફરિયાદ કોંગ્રેસ દ્વારા ડીજીવીસીએલના અધિકારી સામે કરવામાં આવી છે.

આદર્શ આચારસંહિતા અમલીકરણ બાબત સુરત લોકસભા મતવિસ્તાર-સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. સુરત લોકસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણીપંચની આદર્શ આચાર સંહિતા બાબતની સૂચનાઓ મુજબ નિષ્પક્ષ અને ન્યાય ચૂંટણી પ્રક્રિયા સુચારું રીતે પૂર્ણ થાય તે મુજબ આગોતરા આયોજનના ભાગરૂપે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા મોડલ કોડ ઓફ કન્ડક્ટ (MCC) તમામ પ્રકારની તૈયારીઓનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. તો બીજી બાજુ ફરિયાદોના નિરાકરણ માટે 24*7 કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ કંટ્રોલરૂમમાં ટોલ ફ્રી નંબર 1950 પર કોઈપણ વ્યક્તિ, કોઈપણ મતદાર, કોઈપણ ઉમેદવાર પોતાની ફરિયાદ અથવા તો મતદાન કે ચૂંટણી માટેની જાણકારી અથવા તો માર્ગદર્શન મેળવી શકે છે.

સુરત જિલ્લા કંટ્રોલરૂમમાં 198 જેટલા ફોન આવ્યાં
સુરત જિલ્લા કંટ્રોલરૂમ ખાતે 198 જેટલા જાહેર જનતાના કે મતદારોના સુરત જિલ્લા કંટ્રોલરૂમ ખાતે 198 જેટલા ફોન આવ્યા હતા. સુરત જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમ પર આવતા તમામ ફોનનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. રેકોર્ડિંગની વ્યવસ્થા પણ છે . આ તમામ ફરિયાદ કે રજૂઆત કે માર્ગદર્શનનું નિયત સમય મર્યાદામાં 100% નિકાલ કરવામાં આવ્યાં છે. મોટાભાગના કોલ હેલ્પલાઇન નંબર મતદાર સહાયતા કેન્દ્ર પર આવી રહ્યા છે. જેમાં ચૂંટણી કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડમાં સરનામું ચેન્જ કરવા માટે અથવા તો ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરવા માટે અથવા તો આ બાબતે અન્ય ચૂંટણીલક્ષી માર્ગદર્શન માટે આવતા હોય છે. જે અંગે જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી તમામ પ્રશ્નોની નોંધણી કરવામાં આવે છે તેમજ આવેલા પ્રશ્ન અને પ્રશ્નનો પ્રકાર અથવા જાણકારી કે જાણકારીનો પ્રકાર માટે અલગ અલગ પ્રકારના રજીસ્ટર નિભાવી રોજેરોજનું મૂલ્યાંકન સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવે છે.

મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ ચૂંટણીપંચને સુરતમાંથી બે ફરિયાદો મળી છે. જેમાંથી એક ફરિયાદ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં દેખાયા હોવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ડીજીવીસીએલના અધિકારીના ફોટા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે હોય તેવા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.