May 9, 2024

આસ્થાનું અર્થશાસ્ત્ર, ટેમ્પલ રન

રૂષાંગ ઠાકર

લોકસભાની ચૂંટણીમાં મંદિર આપણા દેશમાં એક મોટો મુદ્દો છે, સનાતન ધર્મના વિરોધીઓ દલીલ કરતા હોય છે કે મંદિરોના બદલે શાળા કોલેજો અને હોસ્પિટલોનું નિર્માણ કરવું જોઈએ, એટલે આસ્થાનું રાજકારણ પણ છે, અમે આજે આસ્થાના રાજકારણ નહીં પણ અર્થશાસ્ત્રની વાત કરવાના છીએ, મંદિરોના બદલે શાળા-કોલેજો અને હોસ્પિટલોના નિર્માણની દલીલો કરનારાઓએ અર્થવ્યવસ્થામાં મંદિરોનું યોગદાન જાણવું જોઈએ, આ યોગદાનને સમજવા માટે સૌથી પહેલાં અયોધ્યા જઈએ, જ્યાં ૨૨મી જાન્યુઆરીએ ભવ્યાતિ‌ભવ્ય રીતે રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો, એ સમયે મંચ પર બે ગુજરાતીઓ હતા, એક તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજાં હતાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ.

સંજોગો જુઓ,
મોદી સરકારના શાસનમાં અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સપનું સાકાર થયું, બીજી તરફ ગુજરાતના જ નહીં પણ દેશનું ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલના કારણે જ સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર થયો હતો, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદે સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, કમનસીબે એ સમયે સરદાર સાહેબે દુનિયામાંથી વિદાય લીધી હતી, પણ તેમના સન્માનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદારની ભવ્ય મૂર્તિ સોમનાથ મંદિરની સામે બનાવાઈ, સોમનાથ મંદિરથી આપણે પાછા અયોધ્યામાં આવીએ અને આસ્થાના અર્થશાસ્ત્રની વાત કરીએ, સૌથી મોટો લાભ સ્વાભાવિક રીતે પ્રવાસનનો છે, અયોધ્યામાં આજે આ માનવ મહેરામણનાં દૃશ્યો જુઓ, હવેથી વર્ષે પાંચ કરોડ શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામની નગરીમાં આવીને પવિત્રતાનો અનુભવ કરશે.

આપણે એને એ રીતે સમજીએ કે,
આપણા દેશમાં સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન ગોવા છે, જ્યાં વર્ષે મેક્સિમમ એક કરોડ પ્રવાસીઓ આવતા હોય છે, એટલે બીચ ટુરિઝમ કરતાં ધાર્મિક ટુરિઝમનું મહત્ત્વ વધ્યું છે, માત્ર ટુરિઝમની વાત નથી, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અયોધ્યા અને અર્થશાસ્ત્ર પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે, આ રિપોર્ટ કહે છે કે શ્રીરામ મંદિરથી અર્થવ્યવસ્થાને ખૂબ જ લાભ થશે, એક રીતે જોવા જોઈએ તો શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનાં થોડાંક વર્ષો પહેલાંથી જ આ લાભ મળવાનો શરૂ થઈ ગયો, રામનગરીના મેકઓવર માટે ૮૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, સરકાર દ્વારા રસ્તાઓ, એરપોર્ટ અને રેલવે નેટવર્ક માટે તો ખર્ચ થયો છે, એટલે મોટા પાયે રોજગારી ઊભી કરાઈ છે, આ તો થઈ સરકાર દ્વારા કરાયેલા રોકાણની વાત, એ સિવાય ખાનગી રોકાણ પણ ખૂબ ઠલવાયું છે, જેમ કે, અયોધ્યામાં અત્યારે ૧૭ હોટેલ્સ છે, બીજી ૭૩ નવી હોટેલ્સ બની રહી છે, જેમાંથી ૪૦ હોટેલ્સનું તો કન્સ્ટ્રક્શન શરૂ પણ થઈ ગયું છે, એટલે પ્રવાસન અને હોટેલ્સની સાથે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે, એ સિવાય ૨૫૦૦ રૂમ્સ ધરાવતાં ૫૦૦ ઘરોને હોમસ્ટે માટે મંજૂરી આપવામાં આવી છે, હોમસ્ટે એટલે વ્યક્તિ પોતાના ઘરે ટુરિસ્ટ્સને રહેવાની સુવિધા આપે છે, જેના બદલામાં તેને રૂપિયા મળે છે, એટલે શ્રીરામ નગરીના સામાન્ય લોકોને પણ લાભ મળી રહ્યો છે, હવે આટલી મોટી સંખ્યામાં લોકોના રહેવાની વ્યવસ્થાની વાત કરી.

હવે જમવાની વાત કરીએ,
આટલી મોટી સંખ્યામાં લોકો આવશે તો તેઓ જમશે તો ખરાને, એટલે અનેક નવા રેસ્ટોરન્ટ્સ બની રહી છે, રામનગરીમાં આ પ્રવાસીઓ ખાનગી વાહનો, સરકારી બસો, ટ્રેનો કે પ્લેનમાં જ આવવાના, એટલે રેલવે અને એરલાઇન્સને પણ લાભ મળવાનો છે, બલકે લાભ મળવાનો શરૂ થઈ ગયો છે, અયોધ્યા એરપોર્ટનો પહેલો તબક્કો પૂરો થયો છે, અનેક શહેરોથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ્સ મળી રહી છે, એરલાઇન્સ સિવાય ઇન્ડિયન રેલવેને પણ લાભ થશે, એરલાઇન્સ અને રેલવે સિવાય રિયલ એસ્ટેટને પણ ખૂબ જ લાભ થયો છે, બલકે, શ્રીરામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારથી અહીં પ્રોપર્ટીના ભાવ ૧૦થી ૨૦ ગણા વધ્યા છે, જે મકાનના ૧૦થી ૨૦ લાખ રૂપિયા માંડ મળતા હતા, આજે એ જ મકાન બે કરોડની કિંમતે પણ નથી મળતું, ઉત્તર પ્રદેશ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ પણ ૧૨૦૦ એકરમાં એક પ્રોજેક્ટ લાવી રહ્યું છે, જ્યાં રહેવા માટે મકાનો અને સાથે સરકારી ગેસ્ટહાઉસ પણ બનશે, ભારતભરમાંથી લોકો અયોધ્યામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઇચ્છે છે, બલકે, આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં એક પ્લોટ ખરીદ્યો છે.

વાત માત્ર અયોધ્યાની નથી,
આપણાં દેશમાં આધ્યાત્મિક ચેતનાનાં કેન્દ્રો આર્થિક કલ્યાણનાં કેન્દ્રો પણ બન્યાં છે, આપણે અયોધ્યા પછી હવે કાશી વિશ્વનાથ મંદિરથી એ વાત સમજવાની કોશિશ કરીએ, ડિસેમ્બર ૨૦૨૧માં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન થયું હતું, ૨૦૨૧માં અંદાજે ૬૯ લાખ લોકોએ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા, હવે વર્ષે ૧૦ કરોડ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, વારાણસીમાં એના લીધે રોજગારી ૩૪.૨ ટકા વધી છે, અયોધ્યા કે વારાણસીની વાત નથી, તિરુપતિ, હરિદ્વાર, બદરીનાથ, કેદારનાથ કે પછી આપણા ગુજરાતમાં સોમનાથ અને દ્વારકાને જુઓ, આ ધાર્મિક નગરીઓના વિકાસના કારણે કરોડો લોકોને રોજગારી મળી છે.

આસ્થાના અર્થશાસ્ત્રમાં હવે મંદિરોની સમૃદ્ધિ પર એક નજર કરીએ,
જેનાથી એ પણ ખ્યાલ આવે છે કે, આટલી મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી રહ્યા છે તો તેઓ કેટલું દાન કરે છે, જેમ કે, આંધ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તો દર વર્ષે અહીં ૬૫૦ કરોડ રૂપિયા દાનમાં આપે છે, આ મંદિરની પાસે નવ ટન સોનું છે અને જુદી-જુદી બેન્કોમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે, કેરળના પદ્મનાભ સ્વામી મંદિરની કુલ સંપત્તિ ૧.૨૦ લાખ કરોડ રૂપિયા છે, મહારાષ્ટ્રના શિરડીમાં સાઇ બાબા મંદિરની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયા છે, એ સિવાય ૩૮૦ કિલો સોનુ, ૪૪૨૮ કિલો ચાંદી પણ છે, મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને વર્ષે ૧૨૫ કરોડ રૂપિયાનું દાન મળી રહ્યું છે. આ મંદિરોની પાસે આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ છે તો તેઓ એનો સદ્ઉપયોગ પણ કરે છે, તમામ મંદિરો દ્વારા કોઈને કોઈ રીતે લોકોના કલ્યાણ માટે સેવાની કામગીરી પણ થઈ રહી છે, એટલે જ મંદિરોની પાસે રહેલી સંપત્તિ ખરા અર્થમાં મહાલક્ષ્મી છે, કેમ કે, સદ્‌ભાવનાથી ભક્તો દાનમાં આપે છે અને સત્પ્રવૃત્તિમાં એ ખર્ચાય છે, જેનાથી લોકોનું ન ફક્ત આધ્યાત્મિક પરંતુ ભૌતિક જીવનનું પણ કલ્યાણ થાય છે.