December 19, 2024

મહેસાણા ખાતે 43મી રામનવમી રથયાત્રાનું મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન

આશિષ પટેલ, મહેસાણા: આજે રામનવમીના દિવસે ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ ભગવાન શ્રીરામની રથયાત્રા નીકળે છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટી અને જૂની રથયાત્રા આજે મહેસાણા શહેરમાં નીકળી છે. મહેસાણા શહેરમાં 1982થી રામનવમી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને છેલ્લા 43 વર્ષથી નીકળતી 43મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સારસાના સંત અવિચલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રામનવમી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ રામનવમી રથયાત્રા દરમ્યાન અવિચલદાસ મહારાજાએ કહ્યું કે, હિન્દૂઓ કમર કસે અને અબકી બાર 400 પાર થાય તો રામનવમી રથયાત્રા પાકિસ્તાનમાં પણ નીકળે એવું સ્ફોટક નિવેદન આપ્યું હતું.


રામનવમીના દિવસે પ્રસ્થાન થયેલી 43મી રથયાત્રા મહેસાણા શહેર માં 7 કિલોમીટર લાંબા રૂટ ઉપર પરિભ્રમણ કરી હતી. જેમાં 5 હાથી 21 ઘોડા અને મોટી સંખ્યામાં ભજન મંડળીઓ, 100થી વધુ ટ્રેક્ટરઓમાં રામાયણના વિવિધ પાત્રો,અખાડા સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ રામનવમીની રથયાત્રા માં જોડાયા હતાં.


મુખ્યમંત્રીએ રામલલ્લાના રથમાં જઇ પ્રભુ શ્રી રામને નતમસ્તક થઈ ભગવાન શ્રીરામના આશિર્વાદ મેળવ્યા હતા અને રામનવમીની રથયાત્રા મહેસાણા શહેરના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કર્યું હતું. તો બીજી તરફ મહેસાણા પરાં રામજી મંદિરથી પણ 11મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને પ્રભુ શ્રીરામ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળ્યા હતા.