May 3, 2024

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભયાનક ભૂસ્ખલન, 25 લોકોના મોત

Afghanistan Landslide: અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયા છે. બીજી બાજુ  નૂરગારામ જિલ્લામાં પણ ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યાં છે. માહિતી અને સંદેશાવ્યવહારના વડાએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, ભારે વરસાદને કારણે નૂરગારામ જિલ્લાના નકરાહ ગામમાં ઘણા પહાડો સરકી ગયા છે. જેના કારણે પ્રજાના નાણાંની મોટી નુકસાનીની સાથે સાથે આ કુદરતી આફતમાં 15 થી 20 જેટલા મકાનો ધરાશાયી પણ થયા છે. વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના વરસાદને કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખામા પ્રેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયની માહિતી અનુસાર પંજશીર પ્રાંતમાં કુદરતી આફત હિમપ્રપાત થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સ્નો હિમપ્રપાતને કારણે 5 જેટલા કર્મચારીઓ લાપત્તા થયા છે.

પંજશીરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા કર્મચારીઓમાંથી 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં ઘણી વખત ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે તેમને જાન-માલનું ભારે નુકસાન થયું છે. કુદરતી આફત ઉપરાંત અહીંની કથળતી અર્થવ્યવસ્થા પણ સંકટનો વિષય છે. હાલમાં સ્થિતિ એવી છે કે સામાન્ય નાગરિકોને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. પહેલેથી જ ગરીબીથી પીડિત અફઘાનિસ્તાનને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતાનો સામનો કરવો પડ્યો છે. 2021માં તાલિબાનના આગમન બાદ વધુ આર્થિક ઉથલપાથલ જોવા મળી છે. જેના કારણે અફઘાનિસ્તાન દિવસેને દિવસે દેવામાં વધુ ડૂબી રહ્યું છે.