February 13, 2025

IND vs ENG: ODI સિરીઝમાં ઈંગ્લેન્ડના સૂપડા સાફ; ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની 142 રનથી જીત

IND vs ENG 3rd ODI Match Report: અમદાવાદમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડ ટીમ 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ (Shubman Gill Century) હતો, જેણે 112 રનની સદીની ઇનિંગ્સ રમી હતી.

Image

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચની પહેલી જ ઓવરમાં તેમનો નિર્ણય સારો સાબિત થયો કારણ કે કેપ્ટન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તે પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ 116 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડના બોલરોને પરસેવો પાડી દીધો. ગિલે શ્રેયસ ઐય્યર સાથે મળીને 104 રન ઉમેર્યા. વિરાટ કોહલીએ 52 રન અને ઐયરે 78 રનનું યોગદાન આપ્યું.

Image

શુભમન ગિલની ODI કારકિર્દીની 7મી સદી
શુભમન ગિલ ઈંગ્લેન્ડ સામેની સિરીઝની શરૂઆતથી જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે પહેલી મેચમાં 87 રન બનાવ્યા અને પછી કટકમાં રમાયેલી બીજી મેચમાં 60 રન બનાવ્યા. અંતે, ત્રીજી મેચમાં, તે તેના ODI કારકિર્દીની 7મી સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યો. તે ODI ક્રિકેટમાં 7 સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન છે, તેણે આ સિદ્ધિ માત્ર 50 ઇનિંગ્સમાં હાંસલ કરી હતી.

ભારતીય બોલરો ચમક્યા
ભારતીય બેટ્સમેનોએ પહેલા સ્કોરબોર્ડ પર 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને બાકીનું કામ બોલરોએ કર્યું.ફિલ સોલ્ટ અને બેન ડકેટે નિયમિતપણે શ્રેણીમાં ઈંગ્લેન્ડને સારી શરૂઆત કરી હતી, પરંતુ બાકીના બેટ્સમેનો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. આ વખતે, બંને વચ્ચે 60 રનની ઓપનિંગ ભાગીદારી થઈ, પરંતુ તે પછી ભારતીય બોલરોએ એટલું બધું પ્રભુત્વ જમાવ્યું કે 154 રનના સ્કોર સુધીમાં, ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ.

અહીંથી ઇંગ્લેન્ડનો હાર નિશ્ચિત હતી. કેપ્ટન જોસ બટલર સારા ફોર્મમાં છે, પરંતુ ત્રીજી મેચમાં તે ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને જો રૂટ પણ 24 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા.