May 1, 2024

ટેક્સી ડ્રાઈવરનો પુત્ર બન્યો Microsoft AI ના CEO

Microsoft AI New CEO: જાયન્ટ ટેક કંપની માઇક્રોસોફ્ટે મુસ્તફા સુલેમાનને તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવ્યા છે. મુસ્તફા સુલેમાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી છે. તેમની ટીમ માઈક્રોસોફ્ટને AI પ્રોડક્ટ આપશે. આ ટીમ Edge, Bing અને Copilot જેવી ઘણી Microsoft AI ઉત્પાદનો અને સેવાઓ પર કામ કરશે. આ સાથે મુસ્તફા સુલેમાન માઈક્રોસોફ્ટના AIના CEOની સાથે કંપનીની વરિષ્ઠ ટીમનો ભાગ બનશે. આ ટીમ સત્ય નડેલાના નેતૃત્વમાં કામ કરશે.

મુસ્તફાએ ગૂગલમાં કર્યુ કામ
મુસ્તફા સુલેમાને વર્ષ 2010માં AI લેબ ડીપ માઇન્ડ નામની કંપની શરૂ કરી હતી. આ બાદ વર્ષ 2014 માં આ કંપનીને ગૂગલે હસ્તગત કરી હતી. લેબ ડીપ માઇન્ડ એ માઇક્રોસોફ્ટના AI સાથે સ્પર્ધા કરનારી મુખ્ય કંપનીઓમાંથી એક છે.

ગૂગલ દ્વારા લેબ ડીપ માઇન્ડના અધિગ્રહણ બાદ સુલેમાનને લાંબા સમય સુધી આ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. એ બાદ ગૂગલ સાથેના વિવાદને કારણે સુલેમાને વર્ષ 2022માં કંપની છોડી દીધી. હવે તે સત્ય નડેલાની માઈક્રોસોફ્ટ સાથે જોડાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુસ્તફા સુલેમાન માઈક્રોસોફ્ટમાં જોડાયા બાદ કંપની પોતાની ટીમમાં અન્ય ઘણા લોકોને પણ સામેલ કરી શકે છે.

પિતા હતા ટેક્સી ડ્રાઈવર
મુસ્તફા સુલેમાનનો જન્મ વર્ષ 1984માં યુકેમાં થયો હતો. તેના પિતા સીરિયામાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને માતા યુકેમાં નર્સ હતી. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ થોર્નહિલ પ્રાથમિક શાળા, યુ.કે.માંથી કર્યું હતું. તેણે માત્ર 19 વર્ષની ઉંમરે યુનિવર્સિટી છોડી દીધી. 2010 માં તેણે ડેમિસ હસાબીસ સાથે ડીપ માઇન્ડ એઆઈ કંપની શરૂ કરી.