November 5, 2024

કેન્સરની દવાઓ અને નાસ્તા પરના ટેક્સમાં ઘટાડો, ઑનલાઇન ગેમિંગની આવક 412% વધી

GST Council: આજે મળેલી GST કાઉન્સિલની 54મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્સરની દવાઓ અને નાસ્તા પરના GST દર ઘટાડવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી સીતારમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે કાઉન્સિલે બેઠક દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લીધા. નાણામંત્રીએ કહ્યું કે સરકાર સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓને GSTમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ સિવાય કેન્સરની દવાઓ પરનો GST પણ ઘટાડવામાં આવ્યો છે. નાણા મંત્રીએ કહ્યું કે નાસ્તા પરના GST દરમાં પણ સંભવિત ઘટાડો કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ એમ પણ જણાવ્યું કે કોમર્શિયલ પ્રોપર્ટીના ભાડાને રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ લાવવામાં આવશે.

કેન્સરની દવાઓ પર GST દરમાં ઘટાડો કરાયો
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કેન્સરની દવાઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવાનો હેતુ કેન્સરની સારવારના એકંદર ખર્ચમાં વધુ ઘટાડો કરવાનો છે. GST કાઉન્સિલે સિલેક્ટેડ નમકીન પરનો ટેક્સ 18% થીઘટાડીને 12% કરવાનો નિર્ણય લીધો છે. સીતારમણના જણાવ્યા અનુસાર 6 મહિનામાં ઓનલાઈન ગેમિંગની આવક 412% વધીને રૂ. 6,909 કરોડ થઈ છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે દરોને તર્કસંગત બનાવતા GOMનો સ્ટેટસ રિપોર્ટ કરવાનો હતો. બે સ્થિતિના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં એક રિયલ એસ્ટેટ પર અને બીજો રિપોર્ટ દરોના તર્કસંગતકરણને લાગતો હતો. નાણામંત્રીએ કહ્યું કે કાઉન્સિલની બેઠક દરમિયાન ઓનલાઈન ગેમિંગ અને કેસિનોની સ્થિતિ પણ રજૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેસિનોની આવકમાં 30%નો વધારો થયો છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે આરોગ્ય વીમા અંગેના મંત્રીઓનું જૂથ ઓક્ટોબરના અંત સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે.

આરોગ્ય વીમા પર GST હટાવવાનો નિર્ણય ઓક્ટોબર સુધી ટળ્યો
GST કાઉન્સિલની બેઠક દરમિયાન આરોગ્ય વીમા પર GST હટાવવાનો કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાની અટકળો હતી. જો કે, હાલ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. GST કાઉન્સિલે આરોગ્ય વીમા પરના દરનું મૂલ્યાંકન કરવા મંત્રીઓના ગ્રુપની રચના કરી છે. નાણામંત્રીએ કહ્યું કે મંત્રીઓનું આ જૂથ ઓક્ટોબરના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે. આ સિવાય GST કાઉન્સિલે ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓના સંચાલન પરનો ટેક્સ ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે સોમવારે આ માહિતી આપી હતી. અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “કેદારનાથ, બદ્રીનાથ જેવા ધાર્મિક યાત્રાધામો પર શ્રદ્ધાળુઓને લઈ જતી હેલિકોપ્ટર સેવાઓ પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ આ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. હવે સ્પષ્ટતા થશે.”

આ પણ વાંચો: ધાર્મિક યાત્રાળુઓ માટે ખુશખબર, સસ્તી થશે હેલિકોપ્ટર સેવા: GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

અગ્રવાલે જણાવ્યું હતું કે કાઉન્સિલે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયા સુધીના નાના ડિજિટલ લેવડ-દેવડ માટે બિલડેસ્ક અને CCAvenue જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ (PAs) પર 18 ટકા GST લગાવવાના મુદ્દાને ટેક્સ ભલામણ સમિતિને મોકલ્યો છે. હાલમાં, પેમેન્ટ એગ્રીગેટર્સને રૂ. 2,000 થી ઓછી રકમના વ્યવહારો પર GST ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કાઉન્સિલ જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમના કરવેરા પર ફિટમેન્ટ સમિતિના અહેવાલની પણ ચર્ચા કરી શકે છે.