સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ, વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ થાન તાલુકાના તરણેતર ગામે તળાવમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોવાની ફરિયાદ કલેક્ટર પાસે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, તરણેતર મંદિરની ઇમારતમાં બ્લાસ્ટને લઈને ભારે નુકસાનથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે અને તેમણે મુખ્યમંત્રી સુધી આ વાતની રજૂઆત કરી છે.
થાન તાલુકાના તરણેતર ગામમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે. ત્રિનેત્રેશ્વર મંદિરની બાજુમાં આવેલા તળાવમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોય છે. ત્યારે તળાવની માટી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતી હોય છે.
જેને લઈને ખનીજમાફિયાઓ ભોગાવો નદીમાં બ્લાસ્ટિંગ કરી રહ્યા છે. જેને લઈ ત્રિનેત્રેશ્વર મંદિર અને આસપાસના મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. આ જગ્યાએ તરણેતરના મેળા દરમિયાન ગ્રામીણ ઓલમ્પિક અશ્વ દોડ, બળદગાડી દોડ સહિતની ગ્રામીણ ઓલમ્પિક રમતો અહીં રમાડવામાં આવે છે. ત્યારે તે જગ્યા ઉપર મોટાપાયે તળાવમાંથી ભૂમાફિયાઓ ખોદકામ કરી રહ્યા છે.
સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. તારીખ 18 માર્ચના રોજ ગામના સ્થાનિક નાગરિકે કલેકટર અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને તળાવમાં થતી ખનીજ ચોરી ભૂમાફિયાઓ દ્વારા બંધ કરાવવામાં આવે તેવી માગ છે.