May 19, 2024

ગિરનાર સહિત આસપાસના 27 ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, લોકો-તંત્ર મુશ્કેલીમાં

Junagadh girnar 27 villages plastic ban

જૂનાગઢના ગિરનાર સહિત આસપાસના 27 ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સાગર ઠાકર, જૂનાગઢઃ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા 31 મે 2012ના રોજ એક ગેઝેટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગિરનાર અભ્યારણ્યની આસપાસના જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના 27 ગામોનો ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગિરનારના અભ્યારણ્યમાં વન્ય પ્રાણીઓ, વનસંપદા તથા જૈવિક વિવિધતાના સંરક્ષણ હેતુ આ ગેઝેટ બહાર પાડવામાં આવ્યું હતું. જેની અમલવારી હવે શરૂ થઈ છે અને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ ગિરનાર પર્વત પર અને બાદમાં ગિરનાર આસપાસના 27 ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે નિયમો જાહેર તો થઈ ગયા છે પરંતુ તેની અમલવારી લોકો અને તંત્ર બંને માટે મુશ્કેલીરૂપ બની છે.

જૂનાગઢની ઓળખ સમા ગિરનાર પર્વત કે જે ન માત્ર પર્વત પરંતુ તિર્થક્ષેત્ર અને પ્રવાસન ક્ષેત્ર પણ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો, પ્રવાસીઓ ગિરનાર આવે છે. સ્વાભાવિક રીતે જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યાં પાણી, ઠંડાપીણા તથા ખાણીપીણીની ચીજવસ્તુઓનો ઉપયોગ પણ થવાનો છે. આજે પાણી, ઠંડા પીણા કે ખાણીપીણીની ચીજવસ્તુઓ તમામ પ્લાસ્ટિકના પેકિંગમાં જ હોય છે અને તેના ઉપયોગથી સમગ્ર ગિરનાર પર્વત પર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો નિકાલ થતો હતો. જો કે, વન વિભાગના સહયોગથી સેવાભાવી સંસ્થાઓ સ્વચ્છતા અભિયાન ચલાવી શક્ય એટલું પ્લાસ્ટિક એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરે છે, પરંતુ તેને લઈને પ્રકૃતિને ખાસ્સું એવું નુકસાન પણ થતું હતું. આ અંગે નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી અને હાઈકોર્ટના આદેશ બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

ગિરનાર પર્વતની સીડી પર અંદાજે 125 નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચલાવે છે. આ નાના વેપારીઓ પાણી, ઠંડાપીણા, વેફર, બિસ્કિટ જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. તમામ પ્લાસ્ટિક પેકિંગમાં આવે છે અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવતા આ તમામ વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડે તેમ હતી. કારણ કે, જે ચીજવસ્તુઓનું તેઓ વેચાણ કરે છે, તે તમામ પ્લાસ્ટિક પેકિંગમાં હતું. તેથી તંત્ર દ્વારા તમામ વેપારીઓને પાણીનાં કેરબાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી પ્લાસ્ટિકની પાણીની બોટલના બદલે તેઓ પાણીના કેરબાનો ઉપયોગ કરે અને તેના માટે પાણીના ટાંકાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ આ પાણીના કેરબા એક વખત ભરી લીધા પછી તેમાં ફરી પાણી ભરવા માટે મુશ્કેલી હતી. તળેટીથી એક વખત પાણી ભરીને ઉપર ગયા પછી અડધો કલાકમાં એક કેરબો ખાલી થઈ જતો હતો. એટલે ફરીથી પાણી ભરવા માટે વેપારીને નીચે આવવું પડે. આવી સ્થિતિમાં ધંધા-રોજગાર પર અસર પડતી હતી. તેથી આ અંગે વેપારીઓએ રજૂઆત કરી પરંતુ પ્રશ્નનો હલ નહીં આવતા ગિરનાર સીડી પરના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે. આ અંગે આવેદન પત્ર પણ આપ્યું છે.

વહીવટી તંત્રએ વેપારીઓ સાથે બેઠક કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં. અંતે ચેમ્બર ઓફ કોમર્સે મધ્યસ્થતા કરી અને ટેટ્રા પેકમાં આવતા પાણીનું વેચાણ કરવા વેપારીઓ સાથે સહમતી કરી અને વેપારીઓએ પોતાનું આંદોલન સમેટીને ફરી દુકાનો ખોલી નાંખી હતી. પરંતુ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે ટેટ્રા પેકમાં મળતું પાણી મોંઘા ભાવનું હોય છે, જે યાત્રિકોને પરવડે તેમ નથી, તેમ છતાં જ્યારે પાણીની જરૂરીયાત છે જ તો લોકો પણ નાછૂટકે મોંઘા ભાવનું પાણી પી લે છે. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકાવવા ગિરનારની સીડીના પ્રવેશ પર વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. વન વિભાગની ત્રણ ટીમ કાર્યરત છે. ગિરનારની જૂની સીડી, નવી સીડી અને દાતાર પર્વત પર આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરીને પછી જ તેને પ્રવેશ આપવામાં આવે છે.

ગિરનાર પર્વત બાદ ગિરનારની તળેટી એટલે કે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની અમલવારી શરૂ કરવામાં આવી અને વહીવટી તંત્રને ફરી એકવાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. ભવનાથ વિસ્તારના તમામ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો છે. તંત્ર અને વેપારીઓ બંને માટે અમલવારી સંભવ ન હતી. કારણ કે મહાશિવરાત્રીનો મેળો શરૂ થવાનો હતો આવી સ્થિતિમાં વેપારીઓએ અગાઉથી જે સ્ટોક કર્યો હોય તેનું શું કરવું એ તેમના માટે મોટો પ્રશ્ન હતો. તંત્ર માટે હાઈકોર્ટના હુકમની અમલવારી જરૂરી હતી.

આવી સ્થિતિમાં સ્થાનિક નેતાઓએ મધ્યસ્થતા કરી ભવનાથ વિસ્તારના વેપારીઓએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ નહીં વેચવાનો નિર્ણય કરીને ધંધા રોજગાર શરૂ કર્યા હતા. આ એ સમય હતો કે જ્યારે ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો હતો, જેમાં લાખોની સંખ્યામાં લોકો ભવનાથમાં આવે છે. વેપારીઓએ તો તંત્રને સહકાર આપ્યો અને પાણીની બોટલ તથા ઠંડા પીણા વગેરેનું વેચાણ બંધ કર્યું, પરંતુ જે લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા આવ્યા હતા. તેઓ પોતાની સાથે પ્લાસ્ટિકની પાણીની બોટલો લઈને આવ્યા હતા. જ્યારે લાખોની જનમેદની ઉમટી પડી હોય ત્યારે દરેક લોકોનું ચેકિંગ કરવું પણ તંત્ર માટે સંભવ ન હતું આવી સ્થિતિમાં પ્રતિબંધ હોવા છતાં ભવનાથ તળેટીમાંથી શિવરાત્રીના મેળા બાદ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.

ગિરનાર પર્વત, ભવનાથ તળેટી કે પછી આસપાસના ગામો હોય, પ્લાસ્ટિક પરના પ્રતિબંધને તમામ વેપારીઓ આવકારી તો રહ્યા છે સાથે તેઓ પ્લાસ્ટિકના વિકલ્પની પણ માગ કરી રહ્યા છે. આધુનિક યુગમાં પ્લાસ્ટિક વગર વેપારની કલ્પના કરવી અશક્ય છે. સૌ કોઈ જાણે છે કે, પ્લાસ્ટિક ન માત્ર પર્યાવરણ પરંતુ માનવ સમુદાય માટે પણ જોખમી છે. આજે ખાણીપીણીથી માંડીને તમામ ચીજ વસ્તુઓ પ્લાસ્ટિક પેકિંગમાં જ મળે છે. ત્યારે વેપારીઓ કરે તો શું કરે, પ્લાસ્ટિક પેકિંગના જે વિકલ્પ છે તે ઓછા છે અને મોંઘા પણ છે, કોઈપણ વેપારીને તે આર્થિક રીતે પરવડે તેવા નથી. આવી સ્થિતિમાં વેપાર કઈ રીતે ટકાવવો એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

આવી સ્થિતિમાં શું થઈ શકે?

  • લોકો સ્વેચ્છાએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે, જો કરે તો તેનો યોગ્ય નિકાલ કરે
  • લોકો ડસ્ટબિનનો ઉપયોગ કરે
  • સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન જ બંધ કરાવે
  • હાંડામાં દૂધ આવતું અથવા તો બરણી લઈને દૂધ લેવા જવું
  • પાણી માટે પીત્તળના કુંજા અથવા પાણીની મશક વાપરવી પડશે
  • ઘરેથી બજારમાં જતી વખતે કાપડની થેલી સાથે લઈને જવું પડશે
  • ફુડ પાર્સલ લેવું હોય તો ઘરેથી ટીફીન કે ડબ્બા લઈને જવું પડશે

પ્રદૂષિત વાતાવરણ, પોષણયુક્ત આહારની ઉણપ, સતત તણાવભરી જીંદગીના કારણે હવે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે. ઈકો સેન્સેટીવ ઝોન પર્યાવરણની સાથે આ વિસ્તારના લોકો માટે ફાયદાકારક હોય શકે છે પરંતુ હાલ તો સ્થાનિક રોજગારી પર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.