વરાછાની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા રત્નકલાકારનો આપઘાત
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણાં સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. તો ઘણાં રત્નકલાકારોએ પોતાનું જીવન ટૂંકાવી નાંખ્યું છે. વરાછાની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા રત્નકલાકારે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી નાંખ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, વરાછાની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બે દિવસ અગાઉ બોનસની માગણી સાથે કામથી અળગા રહ્યા હતા. અંદાજિત 500થી પણ વધુ રત્નકલાકારોએ કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. કંપની દ્વારા બોનસ આપવાની મનાઈ કરતા રત્નકલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ કંપનીમાં કામ કરતા રત્નકલાકાર રામ નગીનાસિંહે આપઘાત કર્યો છે. પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સતત બે દિવસથી રત્નકલાકાર માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. ત્યારે પરિવારજનોએ આપઘાત પાછળ કંપનીને જવાબદાર ગણાવી છે.
મહિને 50થી 60 હજાર જેટલો પગાર રામ નગીના સિંહ કમાતો હતો. ત્યારે છેલ્લા બે માસથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદિરના કારણે માત્ર મહિને 15થી 20 હજાર રૂપિયાનું કામ થતું હતું. આ વચ્ચે કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા રામ નગીના સિંહ ચિંતામાં મૂકાયો હતો.
સતત બે દિવસથી તનાવમાં રહેલા નગીના સિંહે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઘટના અંગે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી આર્થિક મંદીએ વધુ એકનો ભોગ લીધો છે.