May 17, 2024

કરોડોના ખર્ચે બનેલો બ્રિજ બન્યો આફત, મોટી સંખ્યામાં લોકોનો સૂત્રોચ્ચાર

surat tadkeshwar mosali road near shah village overbridge public protest

કિરણસિંહ ગોહિલ, સુરતઃ કિમ માંડવી સ્ટેટ હાઇવે-65ને જોડતા તડકેશ્વર-મોસાલી માર્ગ પર શાહ ગામ નજીક કરોડોનો ખર્ચ કરી હાલમાં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કરોડોના ખર્ચ પછી પણ આ બ્રિજ શાહ અને વસરાવી ગામના લોકો માટે તો આફત બન્યો પણ હજારો વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. કેમકે બ્રિજ બનાવતી એજન્સીએ બ્રિજના બંને છેડે ડામર રોડ બનાવવાના બદલે રાત્રે કપચી પાથરી ચાલતી પકડતા અનેક વાહનચાલકો સ્લીપ થઈ રોડ પર પટકાયા હતા. જ્યારે શાહ અને વસરાવી ગામના લોકોએ મોટા અકસ્માતની શક્યતા સાથે બ્રિજ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

શાહ ગામના લોકોએ જાહેર રોડ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે, શાહ ગામ નજીક મુખ્ય માર્ગ પર જે ખાડી આવી છે, તેના વરસો પહેલા સિંગલ રોડ અને એ પણ લોલેવલ બ્રિજ હતો. આ લોલેવલ બ્રિજને ઉંચો બનાવવા સ્થાનિકોએ માગ કરી હતી. આ બ્રિજ મંજૂર પણ થયો અને એક વર્ષથી વધુ સમય બ્રિજ બનાવતા થયો હતો. સ્થાનિકો માટે આ બ્રિજ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે, પણ આ બ્રિજ બન્યા પછી વાહનચાલકોને અને ગામજનોને રાહત થવી જોઈએ, પણ એવું ન બન્યું. એક વર્ષના લાંબા સમય બાદ લગભગ આ બ્રિજ ખાડી પર બનીને તૈયાર થઈ ગયો હતો, પણ આ બ્રિજને જોઈ તમને અંદાજ આવી જાય કે, વેઠ ઉતારવામાં આવી છે. બ્રિજના બંને છેડે ડામર સાથે રોડ બનાવવાનો હોવાથી માત્ર કપચી નાંખી ચાલતી પકડતા શાહ અને વશરાવી ગામના લોકોએ આવી સૂત્રોચ્ચાર કરી મોટા અકસ્માતની શક્યતા દર્શાવી હતી.

બ્રિજ ઉતરતા એક તરફ શાહ ગામ તરફ જવાનો રસ્તો અને બીજી તરફ વશરાવી જવાનો રસ્તો અને બંને રસ્તાના ઢાળ ખરાબ થઈ ગયા છે. બાઈકસવાર સ્લીપ થઈ જાય તેની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે બીજી મોટી સમસ્યા રોજના અનેક ડંપરો અને સરકારી બસો પસાર થાય છે. આ બ્રિજ પરથી એગ્રીકલ્ચરની જીવંત લાઈન પસાર થાય છે. જો બસ કે ડંપરને આ લાઈન અડી જાય તો પણ મોટો અકસ્માત થાય. ધોળા દિવસે બાઈકસવારો અને કારસવારો જોખમી રીતે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. રાત્રે બ્રિજ પર કોઈ લાઈટ નથી અને જો પૂરઝડપે આવતા બાઈકસવાર સ્લીપ થઈ રોડ પર પટકાય તો રામ રમી જાય અને બસ આજ મોટા અકસ્માતની શક્યતાને પગલે સ્થાનિકો ફફડી ઉઠ્યા છે.

લાખો-કરોડો રૂપિયા વિકાસના નામે વપરાય છે, પણ આ વિકાસના નામે થતા કામોમાં ભારે ગરબડ જોવા મળે છે. ન તો કોઈ પાસે એજન્સી સામે કાર્યવાહી કરવા માટે સમય છે, ન વેઠ મુદ્દે ખુલાસો માંગવા સમય છે. આથી કંટાળેલા ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા છે અને રોષ વ્યક્ત કર્યો છે.