May 20, 2024

નરોડામાં ફાયરિંગ મામલે 3 આરોપીની ધરપકડ, 60 હજારની સોપારી આપી હતી

ahmedabad naroda firing 3 sharp shooters arrested by police

મિહિર સોની, અમદાવાદઃ નરોડામાં યુવક પર થયેલા બે રાઉન્ડ ફાયરિંગનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે શાર્પશૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતી-દેતીની અદાવતમા ફાયરીંગ કર્યું હોવાનું ખુલ્યું છે. 60 હજારની સોપારી આપીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને નરોડા પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, નરોડામાં સુમિતનાથ સોસાયટી પાસે હર્ષિલ ત્રાંબડીયા નામના યુવક પર થયેલા 2 રાઉન્ડ ફાયરીંગ કેસનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. શાર્પશૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નયન વ્યાસ, નિરવ વ્યાસ અને અર્જુન દેહદાની ધરપકડ કરી છે. પૈસાની લેતીદેતીમાં આરોપીએ હર્ષિલ ત્રાંબડીયા પર ફાયરીંગ કર્યુ હતું. આ ઘટનાની વાત કરીએ તો નરોડામાં હર્ષિલ ત્રાંબડીયા પોતાના મોટાભાઈને ઓફીસ મૂકવા ઘરેથી બાઈક પર નીકળ્યો હતો. ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા ફાયરિંગ કરાવનારા સાળા-બનેવી એવા નયન વ્યાસ અને નિરવ વ્યાસનું નામ ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સાળા-બનેવી અને શાર્પશૂટર અર્જુન દેહદાની ધરપકડ કરીને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલી કાઢયો છે.

આ પણ વાંચોઃ કરોડોના ખર્ચે બનેલો બ્રિજ બન્યો આફત, મોટી સંખ્યામાં લોકોનો સૂત્રોચ્ચાર

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી નયન વ્યાસ મૂળ ખેડાનો રહેવાસી છે અને નરોડા ભાડે મકાનમા રહે છે. નયન અને હર્ષિલ એકબીજાના પરિચીતમાં હતા. નયને થોડા દિવસ પહેલાં હર્ષિલને વ્યાજે રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની ઉઘરાણી નયન કરી રહ્યો હતો. ત્યારે હર્ષિલે પૈસા પરત આપવાની ના પાડીને અવારનવાર તેની સાથે ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખીને નયને હર્ષિલનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું અને હત્યાના ષડ્યંત્ર રચીના ઉત્તરપ્રદેશથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ ખરીદ્યા હતા. ત્યારબાદ હત્યા કરવા અર્જુન દેહદાને 60 હજારની સોપારી આપી હતી. નયને પોતાના કૌટુંબિક સાળા નવીન સાથે મળીને હર્ષિલની રેકી પણ કરી હતી. આ ઘટનાના દિવસે તક મળતા ધોળા દિવસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. પરંતુ સદનસીબે હર્ષિલના હાથમાં ગોળી વાગી હતી અને તેનો બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ INDIA ગઠબંધનમાં કોઈ નેતામાં PM બનવાનો દમ નથી: HD દેવગૌડા

ફાયરીંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે શાર્પશૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરીને નરોડા પોલીસને સોંપ્યા છે. પોલીસે ફાયરિંગના ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર જપ્ત કરીને આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.