Surat: ગાંજાના મસમોટા જથ્થા સાથે સચિન પોલીસે કરી ત્રણની ધરપકડ
અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરત (Surat)ની સચિન પોલીસને ગાંજાના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ત્રણેય પાસેથી પોલીસે 2 કિલો 980 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તે આ ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કોને કોને આપતા હતા તે બાબતે તપાસ હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલરો ગાંજો વેચનારા તેમજ અન્ય માદક પદાર્થનું વેચાણ કરનારા ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી પણ કરાય છે. ત્યારે સુરતની સચિન પોલીસે 2 કિલો 980 ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. સચિન પોલીસને બાતમી મળી હતી કે, ડ્રિમ સહદેવસિંહ ઇન્ડિયા સ્કૂલની સામે એક રૂમમાં ગાંજો સંતાડવામાં આવ્યો છે. તેથી બાતમીના આધારે સચિન પોલીસ દ્વારા સચિન સ્લમ બોર્ડમાં ડ્રીમ સહદેવસિંહ ઇન્ડિયા સ્કૂલની સામે આવેલા બ્લોક નંબર એલ 998માં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન રૂમમાંથી 2 કિલો 980 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગાંજાના જથ્થા સાથે પોલીસ દ્વારા ત્રણ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેયમાં નીરજ બૈજનાથ સિંહ, વિકાસ રાધેશ્યામ તિવારી અને વિકેશ શ્રીકાંત મૌર્યનો સમાવેશ થાય છે. ત્રણેય પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ ત્રણેય ઈસમો અન્ય રાજ્યમાંથી ગાંજાનો મુદ્દામાલ લાવતા હતા અને સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુટક રીતે આ ગાંજાનું વેચાણ કરતા હતા.
આ ઉપરાંત પોલીસે આ ત્રણેય ઈસમો પાસેથી 3 મોબાઈલ એક મોપેડ પણ જપ્ત કરવામાં આવી છે. તો પોલીસે જે ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેની કિંમત 82,800 રૂપિયા થવા પામે છે. પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે જે ત્રણેય ઈસમો ગાંજા સાથે ઝડપાયા છે તે ત્રણેય કોની પાસેથી ગાંજો લાવ્યા હતા અને તે કોને કોને અત્યાર સુધીમાં આ ગાંજાની સપ્લાય કરી ચૂક્યા છે આ ઉપરાંત તે કેટલા સમયથી ગાંજાની હેરાફેરી કરતા હતા.
આ પણ વાંચો: જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળા વિરૂદ્ધ ફરિયાદ