સુરતમાં રિક્ષાચાલકને કારણે માતા-બાળકનું થયું મિલન
અમિત રુપાપરા, સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી એક સામાજિક સંસ્થામાં એક માતા 10 વર્ષના દીકરાને અભ્યાસ માટે મૂકી ગઈ હતી. જ્યારે માતા આશ્રમથી જતા હતા, ત્યારે આ બાળક માતાની રિક્ષા પાછળ દોડ્યો હતો અને ત્યારબાદ ગુમ થઈ ગયો હતો. આશ્રમ સંચાલકો દ્વારા પોલીસને આ બાબતે માહિતી આપવામાં આવી અને પોલીસે બાળકની શોધખોળ કરવા માટે દિવસ-રાત એક કરી હતી. અંતે એક રિક્ષાચાલકે આ બાળકને સહારા દરવાજા નજીક જોતાં જ બાળકની માતાને ફોન કર્યો હતો અને ત્યારબાદ રિક્ષાચાલકના કારણે બાળકનું મિલન માતા સાથે થયું હતું.
સુરતના ઉમરા વિસ્તારમાં પૂનમ વાત્સલ્ય નામની એક સંસ્થા ગરીબ બાળકો માટે કાર્યરત છે. જેમાં કોઈ બાળકના માતા કે પિતા ન હોય તેવા બાળકોને આ સંસ્થા સહારો આપે છે અને રહેવા-જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સુધીની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે સુરતના કડોદરા વિસ્તારમાં રહેતી એક મહિલા આવશે. સરોજ કુમારી દસ વર્ષના દીકરાને આ સંસ્થામાં 29 ફેબ્રુઆરીના રોજ અભ્યાસ માટે મૂકવા માટે ગયા હતા.
સરોજ કુમારી જ્યારે બાળકને મૂકીને ઘરે જવા માટે પરત ફર્યા ત્યારે 10 વર્ષનો દીકરો શિવા માતાની પાછળ ઘરે જવા માટે દોડ્યો હતો. માતા રિક્ષામાં બેસી ગયા હોવાના કારણે બાળક રસ્તો ભૂલી ગયો અને ભૂલો પડી ગયો હતો. તો સંસ્થાના સંચાલકોને આ બાબતે જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી અને બાળકની માતાને પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ સંસ્થાના લોકો પોલીસ અને બાળકની માતા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તો ઉમરા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે 40 થી 50 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ્યા હતા.
જ્યારે પોલીસ અને બાળકની માતા બાળકને શોધવા માટે ચિંતીત હટ્સ તેવામાં એક રીક્ષા ચાલકના મોબાઈલમાંથી 10 વર્ષના દીકરાએ પોતાની માતાને ફોન કર્યો અને બાળક મળી ગયું હોવાના સમાચાર મળતા જ માતાની ખુશીનો પાર ન રહ્યો. ત્યારબાદ તાત્કાલિક રિક્ષા ચાલક ઉમરા પોલીસ સ્ટેશન બાળકને લઈને આવ્યો અને જ્યાં બાળકને માતાને સોંપવામાં આવ્યું અને પોલીસે રિક્ષાચાલક સંદિપ તિવારીની પણ પ્રશંસા કરી.
મહત્વનું છે કે, આ 10 વર્ષનું બાળક રસ્તો ભૂલી ગયા બાદ તે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આખી રાત બ્રિજ નીચે સૂતો રહ્યો હતો અને સવારે 11 વાગે એક રિક્ષાચાલકને બાળકે વિનંતી કરી હતી કે, તમારા ફોનમાંથી મને ફોન કરવા દો અને ત્યારબાદ બાળકની હાલત જોઈને રિક્ષાચાલક સંદીપ તિવારીએ બાળકને ફોન આપ્યો હતો અને ત્યારબાદ બાળકે માતાને ફોન કર્યો હતો અને ત્યારબાદ બાળકનું મિલન તેની માતા સાથે થયું હતું.