May 20, 2024

મહાશિવરાત્રિના મેળાને લઈને જૂનાગઢ પોલીસનું જાહેરનામુ

ફાઇલ તસવીર

જૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર પર જવા અને ઉતરવા ઉપરાંત અન્ય રસ્તાઓ પર લોકોની સલામતીના ભાગરૂપે જરૂરી નિયમન કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ, મહાશિવરાત્રીના મેળા દરમિયાન યાત્રાળુઓને ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગિરનારના પગથિયાંથી મુખ્‍ય સીડી ઉપર જઈ શકશે તથા પરત ઉતરવા માટે આ મુખ્‍ય સીડી બંધ રહેશે. ગિરનાર પર્વત પરથી ઉતરવા માટે ગૌમુખી ગંગાની જગ્‍યા પાસેથી ભરતવન-શેષાવનના રસ્‍તે થઈ જતી સીડી યાત્રાળુઓને ઉતરવા માટે ખુલ્‍લી રહેશે અને આ સીડીથી ગિરનાર પર્વત ઉપર જઈ શકશે નહીં.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન યાત્રાળુઓ વડલી ચોકથી ડાબી બાજુ ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્‍યા તરફ જઈ શકશે. જ્યારે વડલી ચોકથી મંગલનાથ બાપુની જગ્‍યા તરફ જવાનો રસ્‍તો બંધ રહેશે. ગિરનાર તળેટીથી પરત ફરતા ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્‍યા તરફ આવતા યાત્રાળુઓ સીધા રસ્‍તે વડલી ચોક આવી શકશે. પરંતુ મંગલનાથ બાપુની જગ્‍યાથી કે ભવનાથ તળેટીથી સીધા જ ભવનાથ મંદિર તરફ જઈ શકશે નહીં, પરંતુ વડલી ચોક થઇને ભવનાથ મંદિર જઇ શકશે.

જૂનાગઢ ભવનાથ તળેટીમાં તારીખ 5-3-2024થી 8-3-2024 દરમિયાન મહાશિવરાત્રી મેળો યોજાશે. ત્યારે ટ્રાફિક નિયમન કરવા તથા જરૂરી સાવચેતીના પગલાનાં ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભવનાથમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ વાહનોની અવર-જવર સંદર્ભે જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ 5-3-2024થી 8-3-2024ના કલાક 10 સુધી તમામ પ્રકારના વાહનો જેમાં (પેસેન્જર રીક્ષા/જીએસઆરટીસી સંચાલિત મીનીબસ સિવાયના) ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે પ્રવેશબંધી રહેશે. તારીખ 6-3-2024થી 8-3-2024 દરમિયાન લોકોની આવક વધુ થાય ત્યારે જાહેર સલામતીના હેતુસર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને આ વિસ્તારમાં નાના/મોટા અથવા બંને પ્રકારના વાહનોની અવરજવર ઉપર પોલીસતંત્ર પ્રતિબંધિત કરી શકશે.

8મી માર્ચે મહાશિવરાત્રી હોવાથી બહોળા પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોવાથી વધુ પ્રમાણમાં ભીડ થવાના કારણે ટ્રાફિક નિયમન રાખવું જરૂરી હોવાથી તારીખ 8-3-2024ના રોજ સવારના 10 કલાકથી 9-3-2024 સુધી સવારના 10 કલાક સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને ભવનાથ તળેટી જવા માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે. મેળાની કામગીરી સાથે સંકળાયેલા સરકારના સબંધિત ખાતા તથા પોલીસ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવેલા વાહન પાસવાળા વાહનોને આ જોગવાઈ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.

ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો 5મી માર્ચથી 8મી માર્ચ દરમિયાન યોજાશે. ત્યારે આ મેળા દરમિયાન ટ્રાફિક નિયમનના હેતુસર ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનો માટે 5મા માર્ચથી 8મી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડી આ પ્રતિબંધ મૂક્યો છે.