November 15, 2024

મિત્રએ અન્ય મિત્રને ફસાવ્યો હનીટ્રેપમાં, 75 હજાર ખંખેરી લીધાં!

અમિત રુપાપરા, સુરતઃ મુશ્કેલીના સમયમાં કોઈપણ વ્યક્તિને મદદની આશા પોતાના મિત્ર પાસે હોય છે. પરંતુ સુરતમાં મિત્રતાને શર્મશાર કરે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ બીજા મિત્રને મહિલા સાથે શરીર સંબંધ બાંધવાની લાલચ આપી હનીટ્રેપનો શિકાર બનાવ્યો અને તેની પાસેથી 3 લાખ રૂપિયાની માગણી કરી 75 હજાર રૂપિયા પડાવી લીધા. આ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી ઉમેશ પટેલ નામના ઇસમની ધરપકડ કરી તેની પાસેથી 7000 રૂપિયા રિકવર કર્યા છે.

એક કહેવત છે કે, મિત્ર એવો હોવો જોઈએ કે જે મુશ્કેલીના સમયમાં ઢાલ બનીને આગળ ઊભો રહે અને સુખના સમયમાં પાછળ રહે. પરંતુ આનાથી વિપરીત ઘટના સુરતમાં સામે આવી છે કે, જ્યાં એક મિત્ર દ્વારા જ બીજા મિત્રને ખોટી રીતે ફસાવી તેની પાસેથી પૈસા પડાવી લેવાયા હતા. આ ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે.

આ પણ વાંચોઃ યુવકે લગ્ન કરવા દબાણ કરતી મહિલા પાછળ જાસૂસ લગાવ્યો, પોલીસે ધરપકડ કરી

કતારગામમાં રહેતા રત્નકલાકારને તેના ઉમેશ પટેલ નામના જમીન દલાલ મિત્રએ 22 ઓગસ્ટના રોજ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ રત્નકલાકારને જણાવ્યું હતું કે, ‘હું એક ભાભી લાવ્યો છું તારે આવું હોય તો આવી જા. મિત્રની વાત સાંભળી રત્નકલાકાર કતારગામ વિસ્તારમાં આવેલા કહાર ફળિયાના આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે આવેલા એક મકાનમાં ગયો હતો. રત્નકલાકારની પહેલા તેનો મિત્ર ઉમેશ આ જગ્યા પર પહોંચી ગયો હતો અને તે ઘરની બહાર ઉભો હતો. ત્યારબાદ મિત્ર ઉમેશે રત્નકલાકારને ઘરમાં જવાનું કહ્યું હતું. રત્નકલાકાર મિત્રના કહેવા અનુસાર રૂમમાં ગયો અને તે સમયે રૂમમાં એક મહિલા એકલી બેઠી હતી. ત્યારબાદ મહિલા અને રત્નકલાકાર ઉમેશના કહેવાથી એક રૂમમાં ગયા રૂમમાં રત્નકલાકાર અને મહિલા એકાંત હતા. તે સમયે પોલીસ તરીકેની ઓળખ આપી ત્રણ ઈસમો ઘૂસી ગયા હતા.’

પોલીસ તરીકે ઓળખ આપતા આ ત્રણેય ઈસમો દ્વારા રત્નકલાકારને પોલીસ હોવાનું કહી આઈકાર્ડ પણ બતાવ્યું હતું. ત્યારબાદ રત્નકલાકાર અને તેના મિત્ર ઉમેશ પટેલને તમાચા માર્યા હતા અને રચના કલાકારને હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. ત્યારબાદ રત્નકલાકાર દ્વારા પતાવટની વાત કરતા ત્રણ લાખ રૂપિયાની માગણી આ ઈસમો દ્વારા કરવામાં આવી હતી અને અંતે 75 હજારમાં મામલો પત્યો હતો.

રત્નકલાકાર દ્વારા 75 હજાર રૂપિયા સેફ ડિપોઝિટમાંથી ઉપાડીને આ ત્રણેય ઈસમોને આપી દેવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ રત્નકલાકારને હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું માલુમ થતા તેને આ સમગ્ર મામલે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો મિત્ર ઉમેશ પટેલ જ છે અને ઉમેશ પટેલની સાથે રહેલા અમિત મશરૂ, અલ્પેશ પટેલ અને અન્ય એક ઈસમ સહિત કુલ ચાર લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસ દ્વારા ઉમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ 7000 રૂપિયા રિકવર પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.