સુરત પોલીસનું ઓપરેશન ‘બોગસ ડોક્ટર’, ત્રણની ધરપકડ કરી
અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા જોલાછાપ ડોક્ટરો પર તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ ક્લિનિકમાં તપાસ કરી ડિગ્રી વગરના ત્રણ ડોક્ટરોને ઝડપી પાડ્યાં છે. આ ત્રણેય બોગસ ડોક્ટર કમ્પાઉન્ડની નોકરી કરતા હતા અને કયા રોગમાં કઈ દવા આપવામાં આવે તેનું નોલેજ મળતાંની સાથે જ આ ત્રણેય પોતાના અલગ અલગ જગ્યા ઉપર ક્લિનિક શરૂ કરી દીધા હતા. હાલ તો પોલીસે આ ત્રણેય ડોક્ટરની ધરપકડ કરી તેમની પાસે રહેલા દવા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર SOGએ સુરતના ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ ક્લિનિકમાં તપાસ કરી હતી અને તે દરમિયાન ડિગ્રી વગરના 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. ત્યારે ડિંડોલી વિસ્તારમાં સીઆર પાટીલ રોડ પર આવેલી રામનગર સોસાયટીની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે માતોશ્રી ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ ક્લિનિક ચલાવનાર ઇન્દ્રેશ પાલ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી નથી. તે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરે છે. જ્યારે તેના ક્લિનિકમાંથી અલગ અલગ દવા ઇન્જેક્શન અને સીરપ મળી 12,626 તેમજ રોકડા રૂપિયા 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ નકલી ડોક્ટરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે ઉધનાની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેને અલગ અલગ રોગમાં કઈ દવા અપાય તેનું નોલેજ હોવાથી નોકરી છોડી છેલ્લા પાંચ વર્ષથી તે દવાખાનું ચલાવતો હતો.
ત્યારબાદ સુરત SOG દ્વારા આરોગ્ય અધિકારીને સાથે રાખીને સુરતના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીની બાજુમાં આવેલા મધુમિતા ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી અને ત્યારે જાણવા મળ્યું હતું કે, આ દવાખાનું ચલાવનાર ઉત્તમ ચક્રવાતી પાસે પણ કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી. તે અલગ અલગ ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેને પણ કયા રોગમાં કઈ દવા અપાય તેનું જ્ઞાન હતું અને તેથી દવાખાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા 8 વર્ષથી તે આ જ પ્રકારે દર્દીઓને દવા આપતો હતો અને પોતાનું ક્લિનિક ચલાવતો હતો. તો પોલીસે ડોક્ટર ઉત્તમ ચક્રવાતીની ધરપકડ કરી તેના ક્લિનિકમાંથી દવા ઈન્જેકશન સીરપ સહિત 7,414 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે જ SOGએ ડિંડોલીમાં માનસી રેસીડેન્સી બાજુમાં શિવનગર પાસે સાંઇ ક્લિનિકમાં પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ક્લિનિક ચલાવનાર સંજય કુમાર મોર્યા પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી અને તે પણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને ત્યારબાદ તેને પોતાનું ક્લિનિક ચાલુ કરી દીધું હતું. પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવા ઇન્જેક્શન અને સીરપ મળી 83,446નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બોગસ ડોક્ટર સંજય કુમારની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા તે ત્રણ વર્ષથી આ પ્રકારે ક્લિનિક ચલાવતો હતો. આમ સુરત પોલીસે જોલાછાપ ત્રણ ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને લોકોને પણ અપીલ કરી છે કે, તેમના વિસ્તારમાં આવા કોઈ પણ જોલાછાપ ડોક્ટર હોય તો તાત્કાલિક જ પોલીસને જાણ કરે.