January 24, 2025

પાલ-ભાઠામાં રહીશોને પીવાના પાણીની સમસ્યા, વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ઠુર!

અમિત રુપાપરા, સુરતઃ શહેરના પાલ-ભાઠા ગામમાં આવેલી ગ્રીન સિટી રેસિડેન્સીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈ માટલા ફોડી પાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ સ્થાનિક વિસ્તારમાં હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે પ્રતિક રેલી યોજી પાલિકા તંત્ર સામે દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઓછા પ્રેશરથી પાણી અને દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ પાલિકા તંત્રને કરવા છતાં કોઈ નિવેદનો નહીં આવતા લોકો રોષે ભરાયા હતા.

સુરતના પાલ-ભાઠા વિસ્તારમાં આવેલી ગ્રીન સિટી રેસિડેન્સીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાના મુદ્દે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાને લેખિતમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ માટલા ફોડી સુરત મહાનગરપાલિકાના તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપના નેતાએ 68 લાખના ચેક લખાવ્યાં, પોલીસ ફરિયાદ લેતી નથીઃ બિલ્ડર

ગ્રીન સિટી રેસીડેન્સીમાં 13 માળની 50 બિલ્ડિંગોના રહીશો રહે છે. અંદાજીત 1700 ઘરોમાં પીવાની પાણીની સમસ્યા ચાલી આવી છે. રેસિડેન્સીના રહીશોએ કરેલા આક્ષેપ મુજબ ઓછા પ્રેશરથી ક્યારેક પાણી મળે છે, તો ક્યારેક દુર્ગંધ મારતું પાણી આવે છે. પાલિકા તંત્રને લેખિતમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પાણીની લાઈનમાં હાલ લીકેજના કારણે કામગીરી ચાલતી હોવાથી સમસ્યા ઉદભવી રહી હોવાનું નિવેદન આપી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તેમ રેસિડેન્સીના રહીશો જણાવી રહ્યા છે.

પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા બહારથી રૂપિયા આપી ટેન્કર મગાવાની ફરજ પડી રહી છે. જેના વિરોધમાં રેસિડેન્સીના રહીશો દ્વારા પ્રતીક રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો આ રેલી બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર નહીં સુધરે તેમની રજૂઆત નહીં સાંભળે તો હવે તમામ લોકો મહાનગરપાલિકાની ઓફિસ પર જઈને બેસી જશે. કારણ કે, અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆતનું કોઈ નિરાકરણ આવ્યું નથી.