સુરતમાં હજારો વર્ષ જૂનાં ચલણી સિક્કા-નોટનું પ્રદર્શન, હજારો લોકો ઉમટ્યાં
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં જૂનાં ચલણી-સિક્કાઓ અને નોટનું અદભુત એક્ઝિબિશન યોજાયું છે. જેમાં 2500થી 4500 વર્ષ જૂના સિક્કા અને નોટોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. આ પ્રદર્શનમાં મુઘલકાળ, મરાઠાકાળ અને અંગ્રેજોના સમયમાં વપરાતા સિક્કાઓ અને નોટોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ કેટલીક દુર્લભ વસ્તુઓને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
સુરતમાં જૂના ચલણી નોટ અને સિક્કાનું જે એક્ઝિબિશન યોજાયું છે. તેમાં 3000 વર્ષ જૂનાં સિક્કાથી લઈને આજ દિન સુધીના સિક્કા ચલણમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયના ચાંદીના સિક્કાથી લઈને વર્તમાન સમયમાં જે સિક્કાનો ઉપયોગ ચલણ તરીકે થાય છે. તે આ એક્ઝિબિશનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યનું પાટનગર સૌથી ગરમ, ગાંધીનગરમાં 40થી વઘુ ડિગ્રી તાપમાન
આ પ્રદર્શનમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી 45 જેટલા લોકોએ ભાગ લીધો છે અને તેમને પોતાની પાસે રહેલા સિક્કા ચલણી નોટો પ્રદર્શનમાં મૂક્યા છે. જેને જોવા માટે શહેરના લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. આ ઉપરાંત એક્ઝિબિશનમાં VIP નંબર વાળી નોટોનું કલેક્શન પણ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. લોકોને પોતાના જન્મ તારીખ, લકી નંબર કે પછી અન્ય નંબરની સીરીઝ વાળી નોટ જોઈતી હોય તો તેઓ આ પ્રદર્શનમાંથી મેળવી શકે છે.
ગુજરાતના 220 કરતાં વધારે રજવાડાના સિક્કાઓ એક્ઝિબિશનમાં જોવા મળે છે. મદ્રાસ, કાનપુર, કોલકત્તા, મુંબઈ સહિતના રાજ્યોમાંથી લોકો પોતાની પાસે રહેલી ચલણી નોટો અને જૂનાં સિક્કાઓ લઈને આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવ્યા છે. અકબર અને જહાંગીરના સમયના ચલણી નાંણા તરીકે ઉપયોગમાં લેવાતા કોઈ પણ આ એક્ઝિબિશનમાં લોકોને જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ‘ભારત રત્ન’ લાલ કૃષ્ણ અડવાણીનું ગુજરાત કનેક્શન
મહત્વની વાત છે કે, આ એક્ઝિબિશન સુરતમાં પ્રથમ વખતે યોજાયું હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો તેની વિઝીટ કરી રહ્યા છે અને પહેલા દિવસે 3000 કરતાં વધારે લોકોએ એક્ઝિબિશનની વિઝીટ કરી હતી અને લોકોની ડિમાન્ડ એવી છે કે આ પ્રકારનું એક્ઝિબિશન સુરતમાં દર વર્ષે યોજવામાં આવે જેથી સુરતના લોકો અને ખાસ કરીને નવી પેઢી જૂનાં ચલણી નોટ તેમજ સિક્કાઓ વિશે માહિતી મેળવી શકે.