કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં, પાક ઓછો ઉતરાવાની સંભાવના
અમિત રુપાપરા, સુરતઃ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વહેલી સવારથી જ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે કેરીના બાગ ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કમોસમી વરસાદના કારણે કેરીને નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ઉનાળાની રાહ સૌ કોઈ જોતા હોય છે. કારણ કે, કેરી ખાવાના શોખીન લોકોને કેરીની રાહ હોય છે. તો બીજી તરફ કેરી પકવતા ખેડૂતોને કેરીના વેચાણથી સારા ભાવની આશા હોય છે. પરંતુ કમોસમી વરસાદના સંકટે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. આજે વહેલી સવારથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આશા હતી કે, ઉનાળામાં કેરીના વેચાણથી તેમને સારી આવક થશે. કેરીનું ઉત્પાદન ઓછું થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. તેવામાં હવે કમોસમી વરસાદે આ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આજે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે કેરીના બાગ ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
દક્ષિણ ગુજરાતના નવસારીના ખેડૂત આનંદ દેસાઈએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના હતી. છતાં પણ ખેડૂતોને સારો ભાવ મળશે તેવી આશા હતી. પરંતુ આજે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને કેરી હજી પાકવાની તૈયારીમાં હતી. ત્યાં જ તેને પાણી અડતા કેરીનો પાક ખરાબ થવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે કેરી પાકવાની પરિસ્થિતિમાં હોય અને જો વરસાદ આવે તો કેરીની ગુણવત્તા પર પણ તેની અસર થતી હોય છે અને આ જ કારણે કેરી સડી જવાના કિસ્સા વધારે બનતા હોય છે. એટલા માટે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.