December 26, 2024

Surat: કુમાર કાનાણી લાલઘૂમ, ટ્રાફિક પોલીસ પર તોડબાજીનો આક્ષેપ

સુરત: ભાજપના MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર તોડબાજીનો આક્ષેપ કર્યો છે. કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે સરથાણમાં ગેરકાયદેસર વાહન ટોઈંગ કરવામા આવે છે. તેમજ વાહન ટોઈંગ કરી ચાલકો પાસેથી તોડ પણકરવામાં આવે છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ભાજપના MLA ટ્રાફિક પોલીસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્રાફિક પોલીસ પર સરથાણમાં ગેરકાયદેસર વાહન ટોઈગ કરવાના આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરતા તેમણે જણાવ્યું છે કે સર્કલ 1 સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેઇન નંબર એક દ્વારા ગેરકાયદેસર રીતે વાહન ટોઇગ કરવામાં આવે છે. આ મામલે તેમણે સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું કે સર્કલ એક વિસ્તાર વરાછાના નાના ઢાળથી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર છે. જ્યાંથી વાહનો ટોઇંગ કરવામાં આવે છે.

નોંધનીય છે કે આ વિસ્તારના વાહનોને ટોઈંગ કરીને સરથાણા ગોડાઉન ખાતે લઈ જવામાં આવે છે. પરંતુ ક્રેન નંબર એક નાના વરાછાથી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનોને ટો કરીને બોમ્બે માર્કેટ લઈ જાય છે. જ્યાં વાહન ચાલકો પાસેથી તોડબાજી કરવામાં આવે છે. જેને કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાઇ છે. તો આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ. કુમાર કાનાણીએ આ પત્ર તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર શેર કર્યો છે.