કુંભારીયા ગામના પાદર ફળિયાના 40 મકાનો ડૂબ્યાં, તંત્ર પાસે મદદની પોકાર
અમિત રુપાપરા, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. તો બીજી તરફ સુરતના કુંભારીયા ગામના પાદર ફળીયાના 40 મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે. મકાનો પાણીમાં ડૂબી ગયા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 40 મકાનોમાં રહેતા પરિવારના સભ્યો હાલ ઘરવિહોણાં થયા છે. તંત્ર દ્વારા રહેવાની કે જમવાની કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં નથી. લોકોની માગણી છે કે, તંત્ર તેમના મુશ્કેલીના સમયમાં સાથ આપે અને આ મુશ્કેલીમાંથી તેમને કંઈ મદદ કરે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલી, નવસારી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયાં છે. ત્યારે સુરતના કુંભારિયા ગામમાં આવેલા પાદર ફળિયામાં પણ પાણી ભરાઈ ગયું છે. આ પાદર ફળિયામાં છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે. ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે. હાલ આ પાદર ફળિયાના 40 જેટલા મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે અને અહીંયાના લોકો પોતાની ઘરવખરી બચાવવા માટે સામાન અલગ અલગ જગ્યા પર મૂકી રહ્યા છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સતત આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ પાદર ફળિયામાં રહેતા 40 ઘરના જે લોકો છે તેમના માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી નથી.
પાદર ફળિયાના લોકોનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને સ્થાનિક કોર્પોરેટરો અહીં મુલાકાત લેવા માટે આવે છે અને ફોટા પાડીને ચાલ્યા જતા રહે છે પરંતુ કોઈના માટે જમવાની કે પછી રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી. પાદર ફળિયાના 40 જેટલા મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્થાનિક લોકોના રહેવાની વ્યવસ્થા હજુ સુધી કરી નથી. ત્યારે લોકોની એક જ ડિમાન્ડ છે કે, તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જેથી આ કપરા સમયમાં તેઓ સુરક્ષિત થઈ શકે. તો કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે અને નાના નાના બાળકોને લઈને લોકો રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે.