વાહન વ્યવહાર કમિશનરના આદેશનો જાહેરમાં હુલારિયો, અધિકારીઓ રેડ-બ્લૂ ફ્લેશવાળી લાઇટ કાઢતા જ નથી!
અમિત રુપાપરા, સુરતઃ શહેરના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે સુરત ડીડીઓ, ડીએસઓ અને એડિશનલ ઇલેક્શન ઓફિસરના સરકારી વાહનો પર રહેલી લાલ અને બ્લૂ ફ્લેશ લાઈટ દૂર કરવાના વાહન વ્યવહાર કમિશનરના આદેશ બાદ આરટીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. સરકારી અધિકારીઓ આ આદેશને ઘોળીને પી ગયા છે. જો કે, ત્રણ પૈકીના એક એડિશનલ ઇલેક્શન ઓફિસર દ્વારા સરકારી વાહન પરથી આ લાઈટ દૂર કરવામાં આવી છે. જ્યારે ડીએસઓ અને ડીડીઓને જાણે વાહન વ્યવહાર કમિશનના પરિપત્ર લાગુ ન પડતો હોય તેમ હજુ પણ બ્લુ ફ્લેશ લાઇટ ગાડી પર યથાવત રાખવામાં આવી છે. જેથી સરકારી અધિકારીઓને લાલ અને બ્લુ ફ્લેશ લાઇટવાળી સરકારી ગાડીઓનો મોહ છૂટી રહ્યો નથી. રાજ્ય સરકારના આદેશ અને નિયમોનું ઉલ્લઘન થતું હોવાથી આ તમામ વાહનો પરથી લાલ અને બ્લુ ફ્લેશ લાઈટ દૂર કરવામાં આવે તેવી માગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે.
સુરતના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવેસ્ટ સંજય અને હિતેશ જાસોલીયા દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો. જે સરવેમાં રાજ્ય સરકારનો પરિપત્ર અને આદેશ હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી, એડિશનલ ઇલેક્શન ઓફિસર, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓના સરકારી વાહનો પર લાલ અને બ્લુ ફ્લેશવાળી લાઈટો લગાડવામાં આવી છે. આ અંગેની ફરિયાદ બંને જાગૃત નાગરિકો દ્વારા સુરત પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર કમિશનરને કરવામાં આવી હતી. જે વાહનો પર લાલ અને બ્લુ ફ્લેશવાળી લાઈટ લગાડવામાં આવી હતી, તે વાહનોના નંબર સાથેની ફરિયાદ કરતા વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ મામલે સુરત આરટીઓ વિભાગને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
જેથી આરટીઓ વિભાગ દ્વારા સુરત જિલ્લા વિકાસ અધિકારી, એડિશનલ ઇલેક્શન ચીફ ઓફિસર સહિત અન્ય એક સરકારી અધિકારીના વાહન પર રહેલી બ્લુ ફ્લેશવાળી લાઈટ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ પાઠવીયાને પંદર દિવસ જેટલો સમય વીત્યા બાદ પણ સરકારી અધિકારીઓને લાલ અને બ્લુ ફ્લેશવાળી લાઈટની ગાડીનો મોહ હજી છૂટ્યો નથી. સરકારના જ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશો અને સૂચનાઓને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા છે. જ્યાં વાહન વ્યવહાર કમિશનર અને સુરત આરટીઓ વિભાગની નોટિસની પણ અવગણના કરવામાં આવી રહી છે. જાણે સરકારના આદેશો અને સૂચનાઓ સામે આ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જે તમામ સરકારી ગાડીઓ પરથી લાલ અને બ્લુ ફ્લેશવાળી લાઈટ દૂર થાય એવી માગ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવી છે.