January 18, 2025

સુરત: તાલીમ દરમિયાન ગેરહાજર 263 કર્મચારીઓને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

અમિત રૂપાપરા, સુરત: લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા માટે સુરત શહેર અને જિલ્લાના 22000 કરતાં વધારે કર્મચારીઓને કામગીરી કરવાના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં આ કર્મચારીઓને 27 માર્ચથી 31 એપ્રિલ સુધી પ્રથમ તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. જો કે આ તાલીમ દરમિયાન 619 જેટલા અધિકારી અને કર્મચારી હાજર રહ્યા ન હતા. તેથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા 619માંથી 263 કર્મચારીઓને નોટિસ ફટકારીને શા માટે તેઓ તાલીમમાં હાજર રહ્યા ન હતા તે બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે.

27 માર્ચથી 31 માર્ચ સુધી પ્રથમ તબક્કામાં સુરત લોકસભામાં આવતી સાત વિધાનસભાના મતવિસ્તાર માટે જે તાલીમ યોજાઇ હતી તેમાં 9,825 અધિકારી અને કર્મચારીઓને તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 9825 અધિકારી કર્મચારીઓમાંથી 619 અધિકારી અને કર્મચારીઓ તાલીમ માટે હાજર રહ્યા ન હતા. તેઓ શા માટે તેઓ તાલીમ માટે હાજર રહ્યા નથી તેનું કારણ જાણવા માટે સુરત જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી તમામ પાસેથી કારણ માગવામાં આવ્યું હતું પરંતુ 263 કર્મચારીઓ યોગ્ય કારણ આપી શક્યા ન હતા, તેથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં આવ્યા મનસુખ સુવાગીયા, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જો કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ચૂંટણીની ફરજ બજાવવા માટે સક્ષમ ન હોય અને તેને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી હોય તો તેના માટે અધિકારી કે કર્મચારીઓ સિવિલ સર્જન પાસેથી સર્ટિફિકેટ લેવું જરૂરી છે. એટલે કે જો કોઈ કર્મચારી કે અધિકારી ચૂંટણી કામગીરી કરવા માટે આરોગ્યનું બહાનું આપે તો તેને આ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

તો બીજી તરફ જે કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે, તેમાંથી સુરત પશ્ચિમ વિધાનસભાના 36 કર્મચારી, પૂર્વ વિધાનસભાના 26, ઓલપાડ વિધાનસભાના 65, બારડોલી વિધાનસભાના 12, કતારગામ વિધાનસભાના 122, ચોર્યાસી વિધાનસભાના 2 આમ કુલ 263 કર્મચારીને નોટિસ આપી શા માટે તેઓ તાલીમમાં હાજર ન હતા તેનો ખુલાસો માગવામાં આવ્યો છે. જો કોઈ અધિકારી કે કર્મચારી ખોટું કારણ આપશે અને ખોટી રીતે બહાનું બનાવશે તો તેની સામે કડક પગલા પણ ભરાશે.