December 26, 2024

લોકસભાની ચૂંટણીને લઈ મતદારોની ભ્રમણા સુરત જિલ્લા કલેકટરે કરી દૂર

અમિત રૂપાપરા, સુરત: લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તો બીજી તરફ સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે મતદારોમાં જે ભ્રમણા ફેલાય છે કે સુરતમાં મતદાન થશે નહીં. તે બાબતે જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરાઈ હતી કે સુરત શહેરમાં બારડોલી અને નવસારી લોકસભા હેઠળ વિધાનસભાઓ આવે છે. આ તમામ વિધાનસભાઓમાં મતદાન થશે. માત્ર સુરત લોકસભા હેઠળ આવતી સાત વિધાનસભામાં મતદાન થશે નહીં.

સુરત જિલ્લા કલેકટરે આપી માહિતી
સુરત જિલ્લા કલેકટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. મહત્વની વાત કહી શકાય કે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે સુરત લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભામાં મતદાન થશે નહીં. આ સાત વિધાનસભામાં ઓલપાડ, સુરત, પશ્ચિમ, વરાછા રોડ, ઉત્તર, કરંજ અને કામરેજ વિધાનસભાનો સમાવેશ થાય છે. આ 7 વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીનું મતદાન થશે નહીં. પરંતુ બારડોલી તેમજ નવસારી લોકસભાની હેઠળ આવતી વિધાનસભા સુરત શહેરમાં આવી રહી છે. ત્યારે નવસારી બેઠકની વાત કરવામાં આવે તો સુરત શહેરની લિંબાયત, ઉધના, મજુરા, અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. એટલે આ ચાર વિધાનસભામાં મતદાન થશે. આ ઉપરાંત બારડોલી વિધાનસભાની વાત કરવામાં આવે તો કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી અને મહુવા આ વિધાનસભાઓમાં પણ મતદાન થશે.

બિનહરીફ જાહેર થયા
સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ત્યારે સુરત શહેરના લોકોમાં એક ભ્રમણા ફેલાય છે કે સુરતમાં ચૂંટણી નહીં થાય પરંતુ જિલ્લા કલેકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો બારડોલી લોકસભામાં 15,40,709 મતદારો નોંધાયા છે. જેમાંથી 7,94,513 પુરુષ તેમજ 7,46,182 મહિલા અને 14 અન્ય મતદારો છે. નવસારી લોકસભા હેઠળ સુરત શહેરમાં આવતી લિંબાયત ઉધના મજુરા અને 84 વિધાનસભાના મતદારોની વાત કરવામાં આવે તો આ ચાર વિધાનસભામાં કુલ 14,39,637 મતદાર છે. જેમાંથી 8,04,855 પુરુષ મતદાર, 6,34,700 મહિલા મતદાર અને 82 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

આચાર સંહિતા ભંગની ફરિયાદ
સુરતમાં બારડોલી લોકસભા હેઠળ આવતા વિસ્તારમાં 1,585 મતદાન મથકો પર મતદાન થશે. તેમજ નવસારી લોકસભા હેઠળ આવતા વિસ્તારોમાં 1,297 મતદાન મથકો પર મતદાન થશે. લોકસભાની ચૂંટણી 2024 ને લઈને લોકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ આચાર સંહિતા ભંગની ફરિયાદો કરી શકે છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી માહિતી મેળવવા માટે લોકો 1950 નંબર પર કોલ કરીને ચૂંટણીલક્ષી કોઈપણ માહિતી મેળવી શકે છે. તો મતદાન બાદ બારડોલી લોકસભાની મતગણતરી સોનગઢની ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ખાતે થશે અને નવસારી લોકસભાની મતગણતરી 04-06-2024ના રોજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ભાનુનગર આટકોટ ખાતે થશે.