May 3, 2024

સુરતમાં ફરીથી નકલી એજન્ટનો વેપલો ઝડપાયો, પોલીસે આરોપીની ધરપકડ કરી

surat bogus agent arrested by adajan police

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાંથી નકલી પોલીસ, નકલી ખાદ્ય પદાર્થ, નકલી સરકારી ડોક્યુમેન્ટનું કૌભાંડ હવે સામાન્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતની અડાજણ પોલીસે G-20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ નામના ઇસનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોપાલે G-20નું ટેન્ડર કે જે પોલીસ મકાન બાંધવાનું છે તે ગાંધીનગરમાંથી બહાર પાડવાનું છે. આ ટેન્ડર અપાવવાની લાલચ આપીને હોટલ સંચાલક પાસેથી કટકે કટકે 28 લાખ રૂપિયા લઈ તેની સાથે છેતરપિંડી કરી હતી. મહત્વની વાત છે કે, ગોપાલે બે વખત હોટલ સંચાલક પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ પાંચ પાંચ લાખ રૂપિયાના બદલામાં છ-છ લાખ રૂપિયા હોટલ સંચાલકને પરત આપ્યા હતા. આ પ્રકારે ગોપાલે હોટલ સંચાલકને વિશ્વાસમાં લીધા હતા.

ત્યારબાદ G-20ના નકલી એજન્ટ બનીને ટેન્ડર પાસ કરાવી આપશે તેવું કહી હોટલ સંચાલક પાસેથી 28 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તે રફુચક્કર થઈ ગયો હતો. મહત્વની વાત છે કે, આ ગોપાલ મોટા પોલીસ અધિકારી આર્મીમેન કે પછી અન્ય સરકારી અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી લેતો હતો. તેમની સાથે હાથ મિલાવતા ફોટાઓ લોકોને બતાવીને સરકારી અધિકારીઓ સાથે તેની સારી ઓળખાણ હોવાનું કહીને સરકારી કામ કરાવી આપવાનો કહી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ત્યારે હાલ અડાજણ પોલીસે આ નકલી G-20ના એજન્ટની એટલે કે ગોપાલ પટેલની ધરપકડ કરી છે.

આરોપી ગોપાલે અનેક લોકોને પોલીસના એજન્ટ હોવાના નામે પણ છેતર્યા છે. ત્યારે આ બાબતે પણ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ આ ગોપાલ સામે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2019માં એક છેતરપિંડીનો ગુનો આ ગોપાલ સામે નોંધાયો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ગોપાલે કેટલાક લોકો પાસેથી રોકડા રૂપિયા લીધા છે તો કેટલાક લોકો પાસેથી કોરા ચેક લીધા છે, પરંતુ હવે આ બાબતે જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો જ તે જાણી શકાશે કે, ગોપાલે કેટલા લોકો સાથે છેતરપિંડી કરે છે.

હાલ ગોપાલ સામે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ 2019માં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હોવાના કારણે અડાજણ પોલીસે સરથાણા પોલીસને પણ આ બાબતે માહિતી આપી છે. બીજી તરફ ગોપાલ સામે ગુનો દાખલ થયા બાદ તે પોલીસથી બચવા માટે સીમકાર્ડના નેટવર્કનો ઉપયોગ કરવાના બદલે વાઇફાઇ નેટવર્કનો ઉપયોગ કરતો હતો અને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે વાઇફાઇ નેટવર્કથી આરોપીનું લોકેશન મેળવી તેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.