December 22, 2024

બાબા રામદેવને સુપ્રીમે રોકડું પરખાવ્યું, કહ્યું – દેશ સેવાનું બહાનું ન કરો

અમદાવાદ: પતંજલિ તરફથી ભ્રામક જાહેરાતોના મામલામાં યોગ ગુરૂ રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ સાથે બાલકૃષ્ણે તેમના વ્યવહારને લઈને માફી માંગી હતી. જો કે કોર્ટ તેમની માફીથી સંતુષ્ટ થઈ ન હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવતા કહ્યું કે, કોર્ટના આદેશને ગંભીરતાથી લેવામાં આવે. તમે દેશની સેવા કરવાનું બહાનું ન બનાવો. સુપ્રીમ કોર્ટ હોય કે પછી દેશની કોઈ પણ કોર્ટ હોય. એ તમામના આદેશનું પાલન થવું જોઈએ.

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની વિરૂદ્ધ કોર્ટની અવમાનનાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બે સદસ્યવાળી બેંચે આજે સુનાવણી કરી હતી. જેમાં બંને તરફના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. તેના પર બેંચે પુછ્યું કે રામદેલનું એફિડેવિડ કર્યાં છે?

એફિડેવિટ પર પણ સુપ્રીમ કોર્ટ નારાજ
સુપ્રીમ કોર્ટે ફરી પૂછ્યું કે શું બંને લોકો હાજર થયા છે. તેના પર તેના વકીલે કહ્યું કે બંને લોકો કોર્ટમાં હાજર છે. એ બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓએ બે એફિડેવિટ દાખલ કરવી જોઈતી હતી, પરંતુ માત્ર એક જ કરવામાં આવી છે. અમે અગાઉ કંપની અને એમડીને જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું, જ્યારે જવાબ દાખલ ન થયો તો તિરસ્કારની નોટિસ જારી કરી.’ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને સ્વામી બાલકૃષ્ણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું, ‘કોર્ટના આદેશોને હળવાશથી ન લઈ શકાય. તમારા દ્વારા ખાતરી આપવામાં આવી હતી. જેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ દેશની સૌથી મોટી અદાલતનું અપમાન છે અને હવે તમે માફી માગી રહ્યા છો. આ અમને સ્વીકાર્ય નથી.

આ પણ વાંચો: દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી આયોગે આપી ચેતવણી

કોર્ટે કહ્યું, ‘તમારી માફી પૂરતી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને ત્યાં પતંજલિની જાહેરાતો છપાઈ રહી હતી. તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી. તમે આવું કેમ કર્યું? નવેમ્બરમાં તમને ચેતવણી આપવામાં આવી હતી. છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી. 21 નવેમ્બરના કોર્ટના આદેશ બાદ પણ બીજા દિવસે બાલકૃષ્ણ અને રામદેવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોર્ટના આદેશના 24 કલાકની અંદર રામદેવે પ્રેસ કોન્ફરન્સ કરી. જાહેરાતમાં તમે પ્રમોટર તરીકે દેખાશો. હવે તે 2 મહિના પછી કોર્ટમાં હાજર થયા છે.’ તેના પર રામદેવના વકીલે કહ્યું, ‘ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માંગીએ.’ જે બાદ રામદેવે કોર્ટમાં માફી પણ માંગી હતી.