May 3, 2024

9 સમન્સ 18 બહાના…! ડરીને ભાગી રહ્યા છે કેજરીવાલ, BJP એ સાધ્યું નિશાન

નવી દિલ્હી: દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈને AAP અને BJP વચ્ચે આરોપ-પ્રત્યારોપનું યુદ્ધ ચાલુ છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘જે લોકો દરરોજ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને અન્યો પર આરોપ લગાવતા હોય છે. આજે તેઓ સમન્સથી ભાગી રહ્યા છે અને સમન્સથી ડરી રહ્યા છે.’

પાત્રાએ કહ્યું કે, ‘કેજરીવાલને 6 મહિનામાં 9 સમન્સ આપવામાં આવ્યા હતા પરંતુ તેમણે એક પણ સમન્સનું સન્માન કર્યું નથી. 9 સમન્સ પર 18 બહાના કર્યા. તેમણે કહ્યું, જ્યારે પહેલું સમન્સ આવ્યું ત્યારે બહાનું કાઢ્યું કે દિવાળી છે, જ્યારે બીજું આવ્યું ત્યારે બહાનું કાઢ્યું કે શાસન મહત્વપૂર્ણ છે, ત્રીજા સમન્સ પર કહ્યું કે હું વિપશ્યના કરવા જઈ રહ્યો છું, ચોથા પર કહ્યું કે વિધાનસભા ચાલી રહી હતી, પાંચમી વખત કહ્યું કે મધ્ય પ્રદેશમાં ચૂંટણી છે. આ રીતે તેમણે 9 સમન્સ પર 18 બહાના કર્યા છે.

‘અરવિંદ કેજરીવાલે લોકોના વિશ્વાસની હત્યા કરી’
બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું, ‘જ્યારે કોઈ ખૂની હત્યા કરે છે, ભલે તે ગમે તેટલો હોશિયાર હોય. લોહીના ડાઘ ક્યાંકને ક્યાંક રહી જાય છે અને આખરે કાયદો હત્યારા સુધી પહોંચે છે. અરવિંદ કેજરીવાલે લોકોની આસ્થા અને સત્યની હત્યા કરી છે.

EDએ નવમું સમન્સ જારી કર્યું
તમને જણાવી દઈએ કે EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગમાં નવેસરથી સમન્સ જારી કર્યા છે અને તેમને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધવા માટે નવમું સમન્સ જારી કરવામાં આવ્યું છે. જોકે, મુખ્યમંત્રીએ આ સમન્સને ગેરકાયદે ગણાવીને દર વખતની જેમ આ વખતે પણ હાજર થવાનો ઈન્કાર કર્યો છે.

કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા
દિલ્હીની એક અદાલતે શનિવારે કેજરીવાલને કેસમાં છેલ્લા આઠ સમન્સમાંથી છને અવગણવા બદલ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી બે ફરિયાદો પર જામીન આપ્યા હતા. એજન્સીએ બે દિવસ પહેલા આ મામલે BRS નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને કવિતાની ધરપકડ કરવામાં આવી હતી.