January 14, 2025

‘અત્યાચાર બંધ થવો જોઈએ, ચિન્મય દાસને મુક્ત કરવો જોઈએ’, બાંગ્લાદેશમાં હિન્દુઓના મુદ્દે RSSનું મોટું નિવેદન

RSS Statement on Bangladesh: બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુઓ પર હુમલાનો સિલસિલો યથાવત છે. હવે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ એક નિવેદન બહાર પાડ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ. ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયી જેલમાંથી મુક્ત કરો.

દત્તાત્રેય હોસાબલેએ પોતાના નિવેદનમાં આ વાત કહી
દત્તાત્રેય હોસાબલેએ તેમના નિવેદનમાં કહ્યું, “બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યા, લૂંટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચાર અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે. વર્તમાન બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ તેને રોકવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની ગઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, , બાંગ્લાદેશના હિંદુઓ દ્વારા સ્વ-રક્ષણ માટે લોકતાંત્રિક માધ્યમો દ્વારા ઉઠાવવામાં આવેલ અવાજને દબાવા માટે, તેમના પર જ અન્યાય અને જુલમનો નવો યુગ પ્રારંભ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓની આગેવાની કરી રહેલા ઈસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશ સરકાર દ્વારા જેલમાં મોકલવા અન્યાયપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને શ્રી ચિન્મય કૃષ્ણ દાસને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ અપીલ કરે છે કે તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર થતા અત્યાચારોને રોકવાના તમામ પ્રયત્નો ચાલુ રાખે અને તેના સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય ઉભો કરવા શક્ય તેટલા જલદી જરૂરી પગલાં લે.

આ નિર્ણાયક સમયે, ભારત અને વૈશ્વિક સમુદાય અને સંસ્થાઓએ બાંગ્લાદેશના પીડિતોની સાથે ઊભા રહી તેમને ટેકો વ્યક્ત કરવો જોઈએ અને વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે આ બાબતે પોતપોતાની સરકારો પાસેથી દરેક શક્ય પ્રયાસોની માંગણી કરવી જોઈએ.”