May 3, 2024

માર્ચમાં 12 દિવસ બંધ રહેશે શેર માર્કેટ, જાણી લો દિવસ…

Stock Market Holiday: માર્ચ મહિનો ભારતીય શેરબજાર માટે ઓછા ટ્રેડિંગ દિવસો વાળો સાબિત થશે. નાણાકીય વર્ષ 2024ના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ 2024માં ભારતીય શેરબજાર 12 દિવસ માટે બંધ રહેશે અને ટ્રેડિંગ ફક્ત 19 દિવસ માટે થશે. મહત્વનું છેકે, નાણાકીય વર્ષ 2023-24 31 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થશે.

માર્ચમાં આવતી ત્રણ રજાઓ
માર્ચમાં બે મોટા તહેવારો અને વૈશ્વિક શોક દિવસ આવી રહ્યો છે. જેના માનમાં આ ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે. હિન્દુ તહેવાર મહાશિવરાત્રી 8મી માર્ચે અને શુક્રવારના દિવસે છે. જેમાં શેરબજાર બંધ રહેશે. 25મી માર્ચે સોમવારે રંગબેરંગી હોળી નિમિત્તે શેરબજારો બંધ રહેશે. આ ઉપરાંત ખ્રિસ્તીઓના શોક દિવસ ગુડ ફ્રાઈડેના કારણે 29 માર્ચ શુક્રવારના રોજ ભારતીય શેરબજાર બંધ રહેશે.

શુક્રવાર 8 મી માર્ચ – મહાશિવરાત્રી
ભગવાન શિવની આરાધનાનો મહાન તહેવાર મહાશિવરાત્રી આ વખતે 8મી માર્ચે છે. આ દિવસે શેરબજારમાં કોઈ કામકાજ રહેશે નહીં. તેના પછીના દિવસો શનિવાર અને રવિવાર છે. જે અનુક્રમે 9 અને 10 માર્ચે આવે છે. તેથી શેરબજાર સળંગ 3 દિવસ બંધ રહેશે. મહત્વનું છેકે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવવામાં આવે છે.

સોમવાર 25મી માર્ચ – હોળી
રંગોનો તહેવાર હોળી આ વર્ષે 25 માર્ચે છે અને તે દિવસ સોમવાર છે. શનિવાર-રવિવાર જે 23 અને 24 માર્ચેના હોવાથી એ દિવસે શેરબજારો બંધ રહેશે અને આ વીકએન્ડ પણ લાંબો વીકેન્ડ સાબિત થશે.

શુક્રવાર 29 માર્ચ – ગુડ ફ્રાઈડે
ગુડ ફ્રાઈડે મુખ્યત્વે વિશ્વભરમાં ફેલાયેલા ખ્રિસ્તીઓ દ્વારા ઉજવવામાં આવે છે. તે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની યાદમાં શોકનો દિવસ માનવામાં આવે છે. ખ્રિસ્તીઓમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. આ દિવસે વૈશ્વિક બજારો પણ બંધ રહેશે અને અમેરિકન બજારોની સાથે ભારતીય બજારોમાં પણ રજા રહેશે.

માર્ચમાં 12 દિવસ શેરબજારમાં રજા
2 માર્ચ શનિવારના રોજ NSE અને BSEએ ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવાની જાહેરાત કરી છે. જેના કારણે માર્ચનો પહેલો શનિવાર કામ કરશે. ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 2 માર્ચે ટ્રેડિંગ થશે. આ દિવસે ડિઝાસ્ટર રિકવરી સાઇટ (DR સાઇટ) પર ઇન્ટ્રાડે સ્વિચ ઓવર કરવામાં આવશે. આ દિવસે બે વિશેષ ટ્રેડિંગ સેશન યોજાશે. જેમાં પહેલું ટ્રેડિંગ સેશન સવારે 9.15 થી સવારે 10 વાગ્યા સુધી અને બીજું ટ્રેડિંગ સેશન સવારે 11.30 થી બપોરે 12.30 સુધી યોજાશે.

મહત્વનું છેકે, આ અગાઉ 20 જાન્યુઆરીએ વિશેષ સત્ર યોજાવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક કાર્યક્રમને કારણે 22 જાન્યુઆરીએ સ્થાનિક શેરબજારો બંધ રાખવામાં આવ્યા હતા. તેના બદલામાં 20 જાન્યુઆરીને શનિવારના રોજ શેરબજાર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જે દિવસે સામાન્ય કામગીરી થઈ હતી.