May 3, 2024

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇન દૂધના ટીપાની તરલ પ્રકૃતિ અને રંગથી પ્રેરિત હશે

આણંદ ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની તૈયારીઓ શરૂ કરવામા આવી છે.

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: આણંદને ભારતનુ મિલ્ક સીટી તરીકે ઓળખવામા આવે છે ત્યારે આણંદ ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની તૈયારીઓ શરૂ કરવામા આવી છે. આણંદ ખાતે તૈયાર થનાર બુલેટ ટ્રેનનુ સ્ટેશનનો અગ્રભાગ અને અંદરની ડિઝાઇન દૂધના ટીપાની તરલ પ્રકૃતિ અને રંગથી પ્રેરિત હશે.

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન માટે ડિસેમ્બર 2021માં પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે હાલમાં 100 ટકા કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ કરી દેવામા આવ્યુ છે. સ્ટેશનની વાત કરવામા આવે તો બુલેટ ટ્રેન સ્ટેશન પ્લેટફોર્મની લંબાઇ 415 મીટર, સ્ટેશનની લંબૂાઇ 25.6 મીટર તેમજ 44073 ચોરસ મિટરમાં આ સ્ટેશન તૈયાર થનાર છે.

સ્ટેશનની વાત કરવામા આવે તો સમગ્ર સ્ટેશન 3 માળમાં તૈયાર થનાર છે. જેમાં ભોયતળીયુ, કોનકોર્સ અને પ્લેટફોર્મ હશે. બુલેટ ટ્રેન માટે બે પ્લેટફોર્મ તૈયાર કરાવમા આવશે. જે તમામ સુવીધીઓથી સજ્જ હશે. સ્ટેશનની સુવિધાની વાત કરવામા આવે તો ટિકિટ બારીથી લઇને વેઇટિંગ રૂમ, બિઝનેસ લાઉન્જ, નર્સરી, આરામગૃહ, ઇન્ફોર્મેશન કેન્દ્ર, રિટેલ સેન્ટર્સ સહીતની સુવિધાઓ ઉભી કરવામા આવશે ઉપરાંત કુદરતી હવા ઉજાસ મળી રહે તે માટે વિશેષ રીતે સ્ટેશનને તૈયાર કરવામા આવનાર છે.

તંત્ર દ્વારા મલ્ટી મોડલ ટ્રાફીક ઇન્ટીગ્રેશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. જેમાં સાર્વજનિક અને ખાનગી વાહનોનુ સંચાલન સુચારૂ રૂપે થઇ શકે. પાર્કીગ અને પીકઅપ અને ડ્રોપની સુવિધાઓ તૈયાર કરવામા આવતા સમયે પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામા આવી રહ્યુ છે. યાત્રીઓ માટે પીકઅપ અને ડ્રોપ માટે અલગ-અલગ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને યાત્રીઓ સરળાથી આવન જાવન કરી શકે.

બુલેટ ટ્રેન સ્ટેશનનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઉત્તરસંડા રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 600 મીટર પૂર્વમાં સ્થિત છે, જ્યારે સૌથી નજીકનું મુખ્ય સ્ટેશન નડિયાદ જંકશન રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ હશે, જે 54 કિમી દૂર આવેલું છે, જ્યારે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટેશનથી 70 કિમી દૂર આવેલું છે.

નિર્માણાધીન સ્ટેશનને આવવા-જવા માટેના પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન દ્વારા હબ તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારું, ઝડપી અને મુશ્કેલી વિનાનું જોડાણ મળી શકે.