June 24, 2024

ઝિંગા ઉછેર કેન્દ્રોમાં વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ નામનો રોગ ફેલાયો, લાખોનું નુકસાન થાય તેવી શક્યતા

કિરણસિંહ ગોહિલ, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર વર્ષે ઝિંગા ઉછેર ખેતીથી કરોડોનો વેપાર કરતાં ઓલપાડ તાલુકાનો ઝિંગા ઉદ્યોગ ફરીવાર વ્હાઈટ સ્પોટ સિંડ્રોમના રોગની ઝપેટમાં આવતા ઝિંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી બનવા સાથે મોંમાં આવેલો કોળિયો છીનવાઇ જવા જેવી પરિસ્થિતિ થઈ છે. ઓલપાડ તાલુકાનાં કાંઠાના મહત્તમ ગામોમાં આવેલા તળાવમાં રોગની અસર જોવા મળતા ઝીંગા ફાર્મરો ચિંતામાં મૂકાઈ ગયા છે. એક તરફ આભમાંથી અગનવર્ષા થઈ રહી છે અને બીજી તરફ ઝીંગા તળાવોમાં વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ જોવા મળતા ઝિંગા ઉદ્યોગમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

ઓલપાડ તાલુકામાં ઝિંગા ઉછેરનો વ્યવસાય મોટાપાયે ચાલે છે. ઝિંગાની રાજ્ય બહાર મોટી માગ હોવાથી અહીંથી મોટાપાયે એક્સપોર્ટ કરવામાં આવે છે. ઝિંગા ઉછેરમાં તગડી કમાણી હોવા સાથે એટલો મોટો ખતરો પણ રહેલો છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઝિંગા તળાવ પર અત્યાર સુધી વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ નામનો રોગ આવતો રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 2020માં ઝિંગા ઉછેર ઉદ્યોગને ‘વ્હાઈટ ટચ’ નામનો નવો રોગ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પાણીનો પોકાર, 100 પરિવાર મજબૂર

નિષ્ણાતોના કહેવા મુજબ ‘વ્હાઈટ ટચ’ અને વ્હાઇટ સ્પોટ આ બંને રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી એક અંદાજ મુજબ, એક ખેડૂતને લાખોનું નુકસાન થાય છે. વાઇરસથી ફેલાતા આરોગની ઝપેટમાં આવતા તળાવોમાં તૈયાર થયેલા ઝિંગાનો પાક ખૂબ ઓછા સમયમાં સંપૂર્ણપણે નાશ થાય છે. ‘વ્હાઈટ ટચ’ની માફક વ્હાઇટ સ્પોટ સિંડ્રોમની અસર થતા ઝિંગા તપોતપ નાસ પામે છે. ઝિંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ (wssv) ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.

ઓલપાડ તાલુકાની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના ગામો પૈકી મોર, ભગવા, દેલાસા, દાંડી, લવાછા, મંદ્રોઈ, પીંજરત, સરસ, કપાસી તથા કરંજ પારડી સહિતના અનેક ગામોમાં મોટાપાયે ઝિંગા ઉછેર કરાય છે. ત્યારે ભગવા, મોર, લવાછા,દેલાસા, જેવા ગામોમાં હાલના તબક્કે ઝિંગાના તળાવો પર ‘વ્હાઈટ સ્પોટે સિંડ્રોમ’ જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝિંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોના કહેવા મુજબ રોગની ઝપેટમાં આવેલા અનેક તળાવોના ઝિંગાનો પાક સંપૂર્ણપણે નાશ થવા સાથે તાલુકામાં કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ હજુ અનેક તળાવોમાં ઝિંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં છે. ઝિંગાના જે તળાવોના ખેડૂતો દ્વારા રોગ બાબતે પૂરતી તકેદારી લીધી છે અને ‘વ્હાઈટ સ્પોટ’ રોગથી બચ્યાં છે. ખેડૂતો હાલ ઝિંગાનો પાક બચાવવા મોટી મથામણ કરી રહ્યા છે. જિલ્લામાં ત્રણ વર્ષ બાદ જોવા મળેલા ‘વ્હાઈટ સ્પોટ’ રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી ઝીંગા ફાર્મરો લાચાર બન્યા છે.

ઓલપાડ તાલુકાના ઝિંગા ઉછેર ઉદ્યોગ પર વ્હાઈટ ટચ બાદ ત્રણ વર્ષે ફરી ‘વ્હાઈટ સ્પોટ’નામનો રોગ જોવા મળ્યો છે. આ રોગ પાણીમાં ખરાબી આવવાને કારણે થાય છે. જ્યારે ‘વ્હાઈટ સ્પોટ’ પર નિયંત્રણ મેળવવા અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી જેના માટે તળાવ પર સાવચેતી એ જ પ્રાથમિક રક્ષણ છે. વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ પણ એક રોગ છે, જે સંબંધિત વાઇરસથી ફેલાય છે. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ખૂબ જ જીવલેણ છે, તેનાથી મૃત્યુદર થોડા દિવસોમાં 100 ટકા સુધી થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં પીઠ પર સફેદ ચકામા અને હિપેટોપાનક્રીસ (પાચકગ્રંથીના અવયવો) લાલ થઈ જાય છે. અસરગ્રસ્ત ઝીંગા મૃત્યુ પામતા પહેલા સુસ્ત બની જાય છે. જો સિઝન સારી જાય તો ઓલપાડના કાંઠા વિસ્તારના ઝીંગા ઓની અમેરિકા, ચાઈના, દુબઈ જેવા અનેક દેશોમાં ભારે માગ છે.

દક્ષિણ ગુજરાતનો ઓલપાડનો દરિયોકિનારો માત્ર માછીમારી માટે જાણીતો હતો. રોજગાર માત્ર ખેતી અને પશુપાલન આધારિત. સમયની સાથે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના લોકો ઝીંગા તળાવના વ્યવસાય સાથે જોડાતા ગયા અને આ વિસ્તારના લોકોને ઝીંગા ફાર્મિંગનો ધંધો અનૂકુળ આવી ગયો પણ આ વ્યવસાય જોખમી છે. કાંઠામાં કાયદેસર અને બિનકાયદેસર ઝીંગા તળાવના કારણે વિવાદ પણ થતો રહે છે. પરંતુ જો સરકાર આ ઝીંગા ફાર્મિંગના ધંધાને ખેતીની જેમાં પોત્સાહન આપવામાં આવે તો આવનારા સમયમાં ઓલપાડ તાલુકો સમૃદ્ધ તાલુકો બની શકે છે. પરંતુ પર્યાવરણની જાળવણી અને વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે. જો કે, હાલ વ્હાઈટ સ્પોટ નામનો રોગ ફરી આવતા ઝીંગા ફાર્મિંગના ધંધા સાથે સંકળાયેલા લોકો ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, તેનાથી લાખોનું નુકસાન થાય તેવી શક્યતા છે.