Ahmedabadમાં સોશિયલ મીડિયાનું હુડદંગ, યુવકનું અપહરણ કરી માર માર્યો
મિહિર સોની, અમદાવાદ: સોશિયલ મીડિયાની વોરમાં ત્રણ યુવાનોએ ગાડીમાં એક યુવકનું અપહરણ કર્યું હોવાની ઘટના શહેરમાં બની હતી.યુવકને માર મારીને માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના ક્રેઝમાં યુવાનોએ કાયદો હાથમાં લેતાં સાબરમતી પોલીસે નબીરાઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. હાલમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી મોબાઈલ જપ્ત કર્યા છે. સોશિયલ મીડિયા પર હીરો બનવા માટે આરોપીઓએ યુવાનનું અપહરણ કર્યું હોવાની ઘટના હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
સાબરમતી પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા છે. આ 3 આરોપીએ ધ્યાન લોધા નામના યુવકનું અપહરણ કર્યું હતું. જેની પાછળનું કારણ એક સોશિયલ મીડિયા રિલ્સ હતી. જેમાં ધ્યાન લોધા એ રજત દલાલને ટેગ કરી એક લખાણ લખ્યું હતું. જેથી રજતના લાખ્ખો ફોલોઅર્સ મેસેજ કરી રહ્યાં હતા. અને આવુ લાંબો સમય ચાલતા રજત અને તેના બે મિત્રો શિવમ અને કૃણાલે મળી યુવકનું અપહરણ કર્યું અને તેને મરમાર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: રાજકોટ ગેમઝોનને લઇને મોટો ખુલાસો, ભાજપના કોર્પોરેટરે કર્યો હતો વહીવટ
અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધી પોલીસે ભોગબનનાર ધ્યાનની પૂછપરછ કરતા સામે આવ્યું કે રજત અને તેના બે મિત્રો નંબર પ્લેટ વિનાની એમએલએ લખેલી ગાડી લઈને આવ્યા અને વાત કરવાના બહાને તેનું અપહરણ કરી લઈ ગયાં હતા. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. જે બાદ ધ્યાનને ચાંદખેડા પાસે એક તબેલામાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના પર છાણ લગાવી માર માર્યો હતો જે મારથી તે બેભાન થતાં તેના પર પેશાબ પણ કર્યો હતો. જે પહેલા આરોપીએ ધ્યાનની વધુ એક રિલ્સ બનાવી હતી. જેમાં યુવક માફી માંગતો હતો. જે રિલ્સ બનાવ્યા બાદ યુવકને છોડી મુકવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિલટ લઈ જતાં તેની માતાએ પોલીસને જાણ કરી અને પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયાથી શરુ થયેલી આ તકરારમાં યુવકને માર મારી તેની પાસે ઘર કામ કરાવ્યું અને માર માર્યો હતો. જે અંગે સાબરમતી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી યુવક પર ગુજારેલા તેના ત્રાસના વિડીયો પણ કબ્જે કર્યાં છે. ત્યારે પોલીસે આરોપીનો અન્ય કોઈ ગુનાઈત ઇતિહાસ છે કે કેમ તે જાણવા વધુ તપાસ શરુ કરી છે. અને નંબર પ્લેટ વિનાની કાર અને ગાડીમાં લખેલા એમએલએના બોર્ડ અંગે પણ પોલીસ આગામી સમયમાં વધુ ગુના નોધી શકે છે.