January 14, 2025

અમદાવાદમાં બિરાજમાન થયા બર્ફાની બાબા, દર્શન માટે લોકોની ભીડ ઉમટી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: મહાશિવરાત્રીનાં પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદનાં ઘોડાસર વિસ્તારમાં શિવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. સમર્થ સોસાયટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં સાડા પાંચ ફૂટ ઊંચા બર્ફાની બાબાને બિરાજમાન કરવામાં આવ્યા છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

વહેલી સવારથી જ શિવાલયો બમ બમ ભોલેનાં નાદથી ગુંજી ઉઠ્યા છે. મહાશિવરાત્રીના પર્વે શિવાલયોમાં ચાર પ્રહરની પુજા કરવામા આવે છે. ત્યારે ઘોડાસર વિસ્તારમાં આવેલ સાર્થક સોસાયટીમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફની પાટમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યમાં લોકો દર્શન માટે ઉમટ્યાં હતા.

સોમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઇ પટેલે ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આજે ગરીબ અને મધ્યમ વર્ગના તમામ લોકો અમરનાથના દર્શને જઇ શકતા નથી. તેના જ કારણે સોસાયટીના વોલેન્ટીયર્સ દ્વારા છેલ્લા 3 વર્ષથી અમરનાથના બર્ફાની બાબાને બિરાજમાન કરવામા આવી રહ્યા છે. આ માટે 301 બરફની પાટથી સમગ્ર હિમાલય તૈયાર કરવામા આવે છે અને સાડા પાંચ ફુટ ઉચુ શિવલિંગ તૈયાર કરવામા આવ્યું છે. દર્શન માટે આવનાર તમામને પ્રસાદ પણ આપવામા આવી રહ્યો છે. દર્શનાર્થીઓને ફરાળી પ્રસાદ તેમજ 500 લિટર દૂધમાંથી તૈયાર કરવામા આવેલ ભાંગ તૈયાર કરવામા આવી છે.

પહેલા વર્ષે 150 બરફની પાટથી હિમાલય તૈયાર કરવામા આવ્યો હતો. બીજા વર્ષે 250 પાટથી હિમાલય અને શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે 301 પાટોથી હિમાલયને તૈયાર કરવામાં આવ્યું છે. જેના દર્શન માટે ઘોડાસરના જ નહી પરંતુ આસપાસના વિસ્તારના પણ દર્શનાર્થીઓ વહેલી સવારથી દર્શનનો લાભ લઇ રહ્યા છે.