May 3, 2024

બંગાળ પોલીસે શેખ શાહજહાંને CBIને સોંપ્યો, સમયમર્યાદાના ત્રણ કલાક બાદ કસ્ટડી આપી

Sandeshkhali Row: પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને બુધવારે સાંજે લગભગ 7.45 વાગ્યે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને સોંપી દીધો છે. નોંધનીય છે કે કોલકાતા હાઈકોર્ટે બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાંને સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટની સમયમર્યાદાના લગભગ અઢી કલાક બાદ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપી હતી.

CBIને સોંપતા પહેલા મેડિકલ ટેસ્ટ કરાવ્યો
કોલકાતા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર સીબીઆઈની ટીમ બુધવારે સાંજે 4.15 વાગ્યા પહેલા કોલકાતામાં પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગઈ હતી.પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંને સીબીઆઈને સોંપતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. સંદેશખાલીના આરોપી શાહજહાંને તબીબી સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ બાદ શાહજહાંને કોલકાતાના ભબાની ભવન પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેની કસ્ટડી સીબીઆઈને આપવામાં આવી હતી.

કોર્ટે બંગાળ પોલીસને નોટિસ મોકલીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો
અગાઉ જ્યારે બંગાળ પોલીસે મંગળવારે શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપી ન હતી ત્યારે બુધવારે ફરી મામલો કોલકાતા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરણ્યમોય ભટ્ટાચાર્યની બેન્ચે આ કેસની સુનાવણી કરતા તેને કોર્ટના આદેશની અવમાનના ગણાવી હતી.આ ઉપરાંત, કોલકાતા હાઈકોર્ટે બંગાળ પોલીસને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપવા માટે બુધવારે સાંજે 4.15 વાગ્યાની સમયમર્યાદા નક્કી કરી હતી.

હાઈકોર્ટના નિર્ણય સામે મમતા સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ
મંગળવારે રાજ્યની મમતા બેનર્જી સરકાર કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. બુધવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે તેનો ઇનકાર કરી દીધો હતો. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે બંગાળ પોલીસે બુધવારે સાંજ સુધીમાં શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવો પડશે.