December 23, 2024

જ્ઞાનવાપી કેસમાં કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો ફટકો, ASI સર્વેની અરજી ફગાવી

Gyanvapi Case ASI Survey: જ્ઞાનવાપી અંગે ચાલી રહેલી કોર્ટ લડાઈ વચ્ચે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. જ્ઞાનવાપી વિવાદને લઈને હિન્દુ પક્ષને મોટો ફટકો લાગ્યો છે. હવે વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે તેનો ચુકાદો આપતી વખતે એએસઆઈ સર્વેની માગણી કરતી હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. જ્ઞાનવાપી કેસ અંગે હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું હતું કે, ASI દ્વારા સમગ્ર જ્ઞાનવાપી વિસ્તારના વધારાના સુરક્ષા સર્વેક્ષણ માટેની અમારી અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય સામે અમે હાઈકોર્ટમાં જઈશું. નોંધનીય છે કે, કોર્ટમાં હિન્દુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજની નીચે શિવલિંગનો દાવો કર્યો છે. આ સાથે હિન્દુ પક્ષે અહીં ખોદકામ કરીને ASI સર્વેની માંગણી કરી હતી. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ખોદકામથી મસ્જિદની જગ્યાને નુકસાન થઈ શકે છે.

વર્ષ 1991માં અરજી દાખલ કરવામાં આવી હતી
હકીકતમાં, વર્ષ 1991માં, હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા વતી જ્ઞાનવાપી મસ્જિદના માલિકી હક્ક મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી ચાલેલી સુનાવણી પછી, હિન્દુ પક્ષ દ્વારા વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણીઓ મૂકવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટની સૂચના પર વજુખાનાને સીલ કરી
જેમાં સૌપ્રથમ માંગણી કરવામાં આવી હતી કે વજુખાનાનો ASI સર્વે કરાવવો જોઈએ, જેથી ત્યાં ખરેખર શિવલિંગ છે કે ફુવારો છે તે જાણી શકાય. હિન્દુ પક્ષનો દાવો છે કે મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આવી સ્થિતિમાં, મસ્જિદના ઢાંચાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામ કરવું જોઈએ, જેથી શિવલિંગનો દાવો જાણી શકાય. તમને જણાવી દઈએ કે વજુખાનાને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.