January 23, 2025

સરફરાઝ ખાનનાં ભાઈનું ખુલશે નસીબ, મુશીર ખાનને BCCI આપી શકે છે મોટી ભેટ

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન તાજેતરમાં જ દુલીપ ટ્રોફી 2024 દરમિયાન શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. મુશીરે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. મુશીર ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મુશીરે રણજી ટ્રોફીમાં બેવડી સદી અને એક સદી પણ ફટકારી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં જ મુશીર ખાનને આ શાનદાર પ્રદર્શનની ભેટ આપી શકે છે.

ભારત A માં થઇ શકે છે મુશીરની એન્ટ્રી
મુશીર ખાને દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા B માટે બેટિંગ કરતા ઈન્ડિયા A સામે 181 રનની ઈનિંગ રમી હતી. હવે BCCI ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમમાં મુશીર ખાનનો સમાવેશ કરી શકે છે. મુશીર ખાનની ફિટનેસ અને ફોર્મને જોતા તે ઓસ્ટ્રેલિયા A સામે રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે શું BCCI ખરેખર મુશીરને આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરે છે.

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ ચાર દિવસીય ટેસ્ટ મેચ પણ રમાશે. ભારત A ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. મુશીર ખાને રેડ બોલ ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લાંબા સમયથી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ પહેલા મુશીરે અંડર-19 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુશીરે આ ટૂર્નામેન્ટમાં બે શાનદાર સદી ફટકારી હતી.

જાણકારી અનુસાર, ભારત A ટીમની પસંદગી દુલીપ ટ્રોફી 2024 અને ઈરાની કપમાં તેના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. દુલીપ ટ્રોફી બાદ મુશીર ઈરાની કપમાં પણ રમતા જોવા મળશે.