October 12, 2024

ખેડામાં ભારે વરસાદથી ખેડૂતો પાયમાલ થવાની કગારે, સરકારી અધિકારીના સરવે કરવા તાગડધિન્ના

યોગીન દરજી, નડિયાદઃ તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદ નદીઓમાં આવેલી પૂરની સ્થિતિને કારણે રાજ્યભરમાં ખેડૂતોને નુકસાન થયું છે. જેમાંથી ખેડા જિલ્લો પણ બાકાત નથી.

જિલ્લાના વડામથક નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી ખેડા, માતર, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ કે કપડવંજ હોય તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને શેઢી નદી કિનારાના ગામડાંઓમાં નદીના પાણી ચાર દિવસ સુધી ફરી વળ્યા હતા. નદીઓનાં પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતા. જેના કારણે ડાંગર, કપાસ, બાજરી, શાકભાજીના પાકને ખૂબ જ નુકસાન થયું છે.

ખેડૂતોનું કહેવું છે કે, હવે જો પાક થશે તો પણ તેમાંથી ઉતારો નહીં મળે. જેના કારણે જે લોન લઈ અથવા તો વ્યાજે રૂપિયા લાવી ધરું લાવ્યા હતા તેનો પણ ખર્ચો નીકળી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં સહાય ન આપવી પડે તે માટે ગ્રામ પંચાયતના તલાટી કે ગ્રામ સેવક પણ સરવે કરવા આજ દિન સુધી પહોંચ્યા નથી. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો સરકારની સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ છે.