January 24, 2025

આ આંદોલનથી વલ્લભભાઈ પટેલ સ્વાતંત્ર્ય સેનાની બન્યા, ગાંધીજી સાથે કેવી હતી ‘સરદાર’ની પહેલી મુલાકાત?

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ભારતની આઝાદીની લડતમાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો રહ્યો છે. ભારત આઝાદ થયું ત્યારે સૌથી મોટો ટાસ્ક હતો વિલીનીકરણ. તે સમયે દેશ અલગ અલગ રજવાડાંઓમાં વહેંચાયેલો હતો. તે સમયે ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 562 રજવાડાંઓને એક કરીને અખંડિતતા સાબિત કરી હતી. મોટેભાગે બધા રજવાડા માની ગયા હતા. જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરને મનાવવામાં આવી રહ્યા હતા. પરંતુ જ્યારે કળથી કામ ન ચાલ્યું ત્યારે બળ વાપરીને તેમની મનાવી લેવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને હંમેશા આ અતુલ્ય કામ માટે યાદ કરવામાં આવે છે. હવે વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે સ્વાતંત્ર્ય સેનાની બન્યા તે વિશે.

વર્ષ 1917માં ગુજરાતના ચરોતરમાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો. સતત 4 દિવસ સુધી 70 ઇંચ વરસાદ પડ્યો અને સમગ્ર ચરોતર જળબંબાકાર થઈ ગયું. આખા જિલ્લાના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો. તેમાંય બચેલો પાક ઉંદરો ખાઈ ગયા અને અડધા પાકમાં જીવડાં પડી ગયા હતા અને કોહવાઈ ગયો હતો. તે સમયે અંગ્રેજ સરકારે ખેડૂતો પાસેથી જમીનનો કરવેરો ઉઘરાવવા માટે દબાણ કર્યું અને શરૂ થયું ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન એટલે કે ‘ખેડા સત્યાગ્રહ’…

ખેડા સત્યાગ્રહના સત્યાગ્રહીઓ – ફાઇલ

સૌથી પહેલાં 15મી નવેમ્બર, 1917ના દિવસે કઠલાલમાં રહેતા ખેડૂતોએ આગેવાન મોહનલાલ પંડ્યા સાથે જઈ અંગ્રેજ સરકારને જમીન વેરો મુલતવી રાખવા માટે અરજી આપી. ચરોતરના અંદાજે 18,000 ખેડૂતોએ આ અરજી પર સહી કરી હતી. આ અરજીમાં સમગ્ર પરિસ્થિતિનો ચિતાર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક વાટાઘાટ થઈ પરંતુ બધામાં ખેડૂતો નિષ્ફળ ગયા હતા.

આ દરમિયાન ગામે-ગામ મિટિંગનું આયોજન કરવામાં આવતું હતું. ગાંધીજી ત્યારે ચંપારણ હતા. 25મી નવેમ્બરના દિવસે ગુજરાત સભાના સદસ્ય ગોકુળભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલને ખેડૂતો માટે રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું હતું. 12મી ડિસેમ્બર 1917ના દિવસે ગુજરાત સભાના બંને સભ્યો નડિયાદ આવ્યાં. કલેક્ટરને મળવા જતા પહેલાં તેમણે કપડવંજ અને ઠાસરા તાલુકાના 20 ગામની મુલાકાત લીધી અને પરિસ્થિતિ જાણી. આ સાથે જ તેમણે ખેડૂતો પાસેથી અંગ્રેજ સરકારને અત્યાર સુધી કરેલી અરજીઓ પણ મેળવી લીધી હતી. ત્યારબાદ ગુજરાત સભાના સદસ્યોએ કલેક્ટરને પત્ર લખી મહેસૂલ ઉઘરાવવાનું મૂલતવી રાખવા અંગે અપીલ કરી. જેનો કલેક્ટરે જવાબ આપ્યો કે, ‘અંગ્રેજ સરકાર નિયમ પ્રમાણે આ મામલે જે પણ કંઈ હશે તે પગલાં ભરશે.’

ખેડા સત્યાગ્રહ વખતે ગાંધીજી – ફાઇલ

તે સમયે પાક ચાર આની કે તેથી ઓછો ઉતરે તો જમીન મહેસૂલ માફ કરવાનો ધારો હતો. ત્યારે સરકારી નોકરોએ આળસને કારણે જૂના કાગળ રજૂ કરી પાક ચાર આનીથી વધારે પાક ઉતર્યો હોવાનું પૂરવાર કર્યું. ત્યારે સ્વયંસેવકો સહિત નેતાઓએ સરકાર સામે પુરવાર કરી બતાવ્યું હતું કે, પાક ચાર આનીથી ઓછો છે. સરકારને પંચ નિમવાની પણ સલાહ આપવામાં આવી હતી, છતાં સરકાર માને તો ને! અંતે લોકોએ ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર ઉપાડ્યું.

દિવસેને દિવસે અંગ્રેજ સરકાર દમન કરવા લાગી હતી. અંગ્રેજ સરકાર લોકો પર કાળો કેર વર્તાવતા હતા. આ ઘટનાની જાણ થતા જ સમાજસેવક ઠક્કરબાપા તાત્કાલિક કઠલાલ અને અન્ય ગામોમાં જાતતપાસ કરવા ગયા હતા. 8મી જાન્યુઆરીના દિવસે કઠલાલ મામલતદારે મહેસૂલ ઉઘરાવવાનો પરિપત્ર બહાર પાડ્યો. આ દરમિયાન ગુજરાત સભાના સદસ્ય ગોકુલદાસ પારેખ અને વલ્લભભાઈ પટેલ રિપોર્ટ લઈને બોમ્બે સરકાર પાસે ગયા હતા અને તેમને મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવા માટે ભલામણ કરી હતી.

વલ્લભભાઈ પટેલ જમણે અને તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ડાબે – ફાઇલ

થોડા દિવસ પછી ગાંધીજી અમદાવાદ આવ્યાં. તેમણે અત્યાર સુધીની તમામ ઘટનાઓ વિશે માહિતી મેળવી લીધી હતી. તેમણે ગુજરાત સભામાં ખેડૂતો તરફથી અંગ્રેજ સરકાર સાથે વાત કરી શકે તેવા એક વ્યક્તિની માગ કરી. ત્યારે ગુજરાત સભાએ વલ્લભભાઈ પટેલને આમંત્રણ આપ્યું. આ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પહેલી મુલાકાત. 8 દિવસ સુધી સભામાં ચર્ચા ચાલી અને અંતે કેસ વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવ્યો. તે સમયે વલ્લભભાઈ પટેલ વકીલાત કરતા હતા. અંતે માત્ર એક વ્યક્તિએ વલ્લભભાઈને મત ના આપ્યો, બાકીના તમામ લોકોએ વલ્લભભાઈને કેસ સોંપવા માટે હા પાડી દીધી હતી. આમ, બહુમતીને આધાર રાખી વલ્લભભાઈ પટેલ પહેલી વખત સત્યાગ્રહમાં જોડાયા હતા.

ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કરવા એક શરત રાખી હતી કે, જ્યાં સુધી બધું જ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ગુજરાત સભાનો એક સદસ્ય તેમની સહાયતા માટે હંમેશ માટે સાથે રહેવો જોઈએ. તે સમયે વલ્લભભાઈ પટેલે ગાંધીજીની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારે ગુજરાત સભામાંથી બે ખરડા પાસ કરવામાં આવ્યાં.

ખેડામાં તે સમયે કામગીરી કરતા અંગ્રેજ અધિકારીઓ – ફાઇલ

1. સભા તરફથી મહેસૂલ ઉઘરાવવા મામલે કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી અંગ્રેજ સરકારે મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવું પડશે. 2. જ્યાં સુધી અંગ્રેજ સરકારનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ખેડા જિલ્લાનો એકપણ ખેડૂત જમીન મહેસૂલ ભરશે નહીં.

8મી જાન્યુઆરીએ ખેડા જિલ્લાના બધા મામલદારોએ કપડવંજના મામલતદાર જેવું જ સર્ક્યુલર બહાર પાડ્યું. જેમાં લખ્યું હતું કે, ‘પટેલ સરપંચ જમીન મહેસૂલ ન ઉઘરાવવાનું કારણ બન્યાં છે. જે લોકો જમીન મહેસૂલ ભરી શક્યા નથી, તેમની જમીન પચાવી લેવામાં આવશે અને તેની હરાજી કરવામાં આવશે. જે લોકોએ મોડા પડ્યાં છે તેમની જમીનો નિયમ પ્રમાણે જપ્ત કરવામાં આવશે.’

નડિયાદના મોગલકોટમાં ગાંધીજીએ ભાષણ આપ્યું હતું – ફાઇલ

10મી જાન્યુઆરીએ ગુજરાત સભાના સેક્રેટરીએ કમિશનરને આ મામલે પત્ર લખી મુલાકાત માટે જણાવ્યું. ત્યારે કમિશનરે પત્રનો જવાબ આપતા લખ્યું કે, ‘તે માત્ર મંત્રીઓને જ મળશે.’. આવા સમયે ગુજરાત સભાના સેક્રેટરી કૃષ્ણલાલ દેસાઈ અને માવળંકરને કમિશનરને મળવા માટે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ કમિશનર અમે મંત્રીઓ વચ્ચે મુલાકાત તો થઈ પરંતુ તે સદંતર નિષ્ફળ સાબિત થઈ. અંતે સમગ્ર મામલે ગાંધીજીને જાણ કરવામાં આવી.

5મી ફેબ્રુઆરીએ ગાંધીજી, દિનશા વાચા, ગોકુલદાસ પારેખ, વિઠ્ઠલભાઈ પટેલ સહિતના લોકો ગવર્નરને મળ્યાં. તેમની સાથે રેવન્યૂ મેમ્બર મિ. ચાર્મિકલ અને કમિશનર મિ. પ્રટ્ટ પણ હતા. તેમની સાથેની મુલાકાત બાદ ગવર્નરે બેથી ત્રણ દિવસમાં આ મામલે જવાબ આપવા માટે જણાવ્યું. બે દિવસ પછી ગવર્નરે ગાંધીજીને પત્ર લખ્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમને અંગ્રેજ ઓફિસરની માગ બિલકુલ ગેરવાજબી લાગતી નથી. તમે ખેડૂતોને ઉશ્કેરશો નહીં. નહીંતર તેનું પરિણામ ભોગવવું પડશે.

ગાંધીજીએ તે સમયે ગામેગામ સભા ગજવી હતી – ફાઇલ

અંતે 16મી ફેબ્રુઆરીએ ગાંધીજી 20 લોકો સાથે નડિયાદ આવ્યાં. ગાંધીજીએ સૌથી પહેલું કામ એ કર્યું કે, ગામે-ગામ ટુકડીઓ મોકલી સમગ્ર પરિસ્થિતિનો સર્વે કરાવ્યો. ગાંધીજીએ પોતે 30 ગામડાંઓમાં જઈ ત્યાંની પરિસ્થિતિ વિશે જાણ્યું. આખરે એક અઠવાડિયા પછી ખેડા જિલ્લાના 600 જેટલા ગામડાંમાંથી 425 જેટલા ગામડાંનો રિપોર્ટ તૈયાર થયો. ગાંધીજીએ રિપોર્ટની માહિતી સાથે 26મી ફેબ્રુઆરીએ કલેક્ટરને પરિસ્થિતિની વાસ્તવિકતા જણાવતો પત્ર લખ્યો કે, ‘મેં અને મારી સાથે આવેલા તમામ ભાઈઓએ જાતે કરેલી તપાસ બાદ ખાત્રી થઈ ગઈ છે કે, ગામોમાં પાક 4 આની અથવા તો તેનાથી ઓછો ઉતર્યો છે તો ગામોમાં મહેસૂલ ઉઘરાવવાનું મૂલતવી રાખવાના હુકમો કરશો. જો તમને વિશ્વાસ ન હોય તો તમારા માણસો અને પંચ મારફતે તપાસ કરાવી શકો છો, હજુ સમય વીતી ગયો નથી.’

ગાંધીજીએ જોયું હતું કે, ભારે વરસાદને કારણે પાક સદંતર ધોવાઈ ગયો હતો. તો વળી ક્યાંક પાક ઊભો હતો તેને ઉંદરડા ખાઈ ગયા હતા, તો એમાંય વધેલા પાકમાં રોગ લાગુ પડ્યો હતો. આમ, પાક સાવ નિષ્ફળ ગયો હતો. પરંતુ સરકારી નોકરો ગમે તે ભોગે સત્ય સ્વીકારવા માટે તૈયાર જ નહોતા કે તેની વિશે ચર્ચા કરવા માટે પણ તૈયાર નહોતા. ત્યારે ગાંધીજીએ અનેકવાર કમિશનર, ગવર્નર અને કલેક્ટરને પત્ર લખી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે દરેક પ્રયત્ન નિષ્ફળ ગયો. ગાંધીજીએ તેમનાથી થતો બનતો પ્રયત્નો કરી લીધા હતા. સરકારે શાંતિથી મામલો પતાવવાના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. આ સાથે જ ભારતનું પહેલું જમીન મહેસૂલ ન ભરવાનું આંદોલન ચાલુ થયું.

ગાંધીજી સમગ્ર ઘટનાનો તાગ મેળવવા જાતતપાસ કરતા હતા – ફાઇલ

અંતે ગાંધીજીએ નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી દશા શ્રીમાળીની વાડીમાં 22મી માર્ચે જાહેર સભાને સંબોધન કરતા ‘સત્યાગ્રહ’નું એલાન કર્યું. તે દિવસે 200 લોકોએ સત્યાગ્રહના પ્રતિજ્ઞા પત્ર પર સહી કરી હતી અને જોડાયા હતા. ત્યારબાદ દિવસે ને દિવસે વધુમાં વધુ લોકો સત્યાગ્રહના પ્રતિજ્ઞા પત્ર પર સહી કરી જોડાઈ રહ્યા હતા. 28 માર્ચે 400, 1લી એપ્રિલે 1100 અને 4થી એપ્રિલે વધુ 1500 જેટલા ખેડૂતોએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી અને સત્યાગ્રહમાં જોડાયા હતા.

અચાનક ગાંધીજીને ઇન્દોર જવાનું થયું ત્યારે સત્યાગ્રહની કમાન વલ્લભભાઈ પટેલના હાથમાં સોંપવામાં આવી. 30મી માર્ચે નડિયાદમાં ખેડૂતોની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં વલ્લભભાઈ આગ ઝરતું ભાષણ આપી ખેડૂતોની હિંમત વધારી હતી. તેટલું જ નહીં, આ પછી વલ્લભભાઈ ગામે-ગામ જઈ ખેડૂતોને સમજાવતા હતા. તેમને પ્રતિજ્ઞાને અડગ રહેવા માટે કહેતા હતા અને તેમની હિંમત વધારતા હતા. વલ્લભાઈમાં લીડર તરીકેના બધા જ ગુણો તો હતા જ પણ આ વખતે તેઓ એક સૈનિક તરીકે કામ કરી રહ્યા હતા.

ગાંધીજી અને સરદાર પટેલ સાથે સત્યાગ્રહીઓ – ફાઇલ

લોકો સરકારની વારંવારની ધમકીઓને કારણે ડરી ગયા હતા. તેમને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને એક અયોગ્ય રીતે જપ્ત થયેલા ખેતરમાંથી ડુંગળીનો પાક ઉતારવા જણાવ્યું હતું. ત્યારે મોહનલાલ પંડ્યા મધરાતે માણસો સાથે જઈને ડુંગળીનો પાક ચોરી લાવ્યાં હતા. ત્યારબાદ સરકારને જાણ થતા તેમના પર કેસ કર્યો અને જેલવાસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. લોકોએ આ ઘટનાને વધાવી લીધી હતી. લોકોમાં આ ઘટના બાદ આક્રોશ અને ઉત્સાહ બંને વધ્યા હતા. લોકોએ જેલીઓને વળાવવા માટે સરઘસ કાઢ્યું અને તે દિવસથી મોહનલાલ પંડ્યાને લોકોએ ‘ડુંગળીચોર’નું માનદ ઇલકાબ આપી સરાહના કરી હતી. આજે પણ તેમને લોકો આ નામથી ઓળખે છે.

આ દરમિયાન અનેક વાટાઘાટો થઈ અને બધી જ નિષ્ફળ નીવડી. સત્યાગ્રહ બરાબર જામ્યો હતો. લોકોમાં જુસ્સો વધી રહ્યો હતો. આ ગુજરાતનું પહેલુંવહેલું ખેડૂતોનું આંદોલન હતું તેથી સૌની નજર તેના પર હતી. લોકોમાં ઉત્સાહ પણ હતો. તેવા સમયે વલ્લભભાઈ, ગોકુળદાસ પરીખ, વિઠ્ઠલભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, ઠક્કરબાપા સહિતના આગેવાનોએ ગામેગામ જઈ લોકોને જમીન મહેસૂલ ન ભરવા સમજાવ્યાં. તેમની હિંમત વધારી. તેટલું જ નહીં, આ સત્યાગ્રહમાં હવે કસ્તુરબા પણ જોડાઈ ગયા હતા. તેઓ પણ ગામે-ગામ જઈ મહિલાઓને તેમના પતિને સાથ આપવા માટે સમજાવતા હતા. આમ, સમગ્ર ચરોતર પંથકના ખેડૂતોનું એકીકરણ કરવામાં આવ્યું. સૌને એકજૂથ કર્યા અને સત્યાગ્રહ તેની ચરમસીમાએ પહોંચી ગયો.

તે સમયના ખેડૂતની તસવીર – ફાઇલ

તો બીજી તરફ, અંગ્રેજ સરકાર આ બધું જોઈને ધૂંઆપૂંઆ થઈ ગઈ. તેમણે એક પછી એક કડકમાં કડક પગલાં લેવાની શરૂઆત કરી. ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવી. જાહેરમાં તેની પાણીના ભાવે હરાજી કરવામાં આવી. ખેડૂતોના ઢોર-ઢાંખર લઈ જવામાં આવ્યાં. તેમની પણ હરાજી કરવામાં આવી. ખેડૂતો પર કાળો કેર વરસાવવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં 3જી જૂનને નડિયાદ મામલતદારે ગાંધીજીને પત્ર લખી પહેલી માગણી સ્વીકારી, પરંતુ તેમાં એવી માગ કરવામાં આવી હતી કે, ‘પૈસેટકે સુખી ખેડૂતોએ ગરીબ ખેડૂતોનું જમીન મહેસૂલ ભરવું પડશે.’ ગાંધીજીએ તે જ દિવસે પત્ર લખી મામલતદારની માગ ફગાવી દીધી હતી અને લખ્યુ કે, ‘પૈસેટકે સુખી ખેડૂતો માત્ર તેમનું જ જમીન મહેસૂલ ભરશે. ગરીબો પાસે તો કંઈ છે જ નહીં. તેથી તેઓ મહેસૂલ બિલકુલ ભરી શકે તેમ નથી.’

અંતે 6ઠ્ઠી જૂને મામલતદારે પત્રનો વળતો જવાબ આપ્યો અને ગાંધીજીની માગ સ્વીકારી કે, ‘અમીર ખેડૂતો જો તેમનું મહેસૂલ ભરશે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવશે.’ પરંતુ હવે પ્રશ્ન એ હતો કે મામલતદાર તો માત્ર તાલુકાનો જ ઓર્ડર કરી શકે. ત્યારે ગાંધીજીએ ખેડા ક્લેક્ટરને નડિયાદના મામલતદારે કરેલા ઓર્ડર પ્રમાણે સમગ્ર જિલ્લામાં હુકમ આપવાની રજૂઆત કરી. ખેડા જિલ્લા કલેક્ટરે નડિયાદ મામલતદારે કરેલા હુકમનો સ્વીકાર કરી સમગ્ર જિલ્લામાં તે મુજબનો પરિપત્ર જાહેર કરવાનો હુકમ આપ્યો અને આ સાથે જ ખેડૂતોની શાનદાર જીત થઈ. આ ઉપરાંત ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સહીવાળા ફેમ્ફલેટ વહેંચવામાં આવ્યાં જેમાં ‘સત્યાગ્રહ’ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. આમ, અંગ્રેજ સરકારની ખોટી નીતિ સામે ગાંધીજીના સત્યાગ્રહની જીદને કારણે ખેડૂતો ભોગ બનતા બચી ગયા હતા. 29મી જૂને નડિયાદમાં આ સત્યાગ્રહના વિજયનો રંગેચંગે જશ્ન મનાવવામાં આવ્યો હતો.

ભારતના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ – ફાઇલ

આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી જોડે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. તે દરમિયાન વલ્લભભાઈ પટેલ તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ખેડા સત્યાગ્રહથી ભારતને સ્વાતંત્ર્ય સેનાની તરીકે વલ્લભભાઈ પટેલ મળ્યા હતા. તેમણે ગાંધીજી સાથે કામ કરી તેમની પદ્ધતિ જાણી લીધી હતી. તેમણે ગાંધીજીની કામગીરીને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજી લીધી હતી અને તેમની પાસેથી સતત કંઈક નવું શીખતા હતા. ગાંધીજી પાસેથી તેમણે લોકોને માનસિક રીતે કેવી રીતે મજબૂત કરવા, તેમને કેવી રીતે મદદ કરી શકાય, સત્યાગ્રહને કેવી રીતે મજબૂત અને અસરકારક બનાવી શકાય તે પણ શીખ્યા હતા. ગાંધીજીને પણ વલલ્ભભાઈ પર ખૂબ જ વિશ્વાસ હતો અને ગાંધીજીએ તમામ જવાબદારી વલ્લભભાઈ પટેલને સોંપી દીધી હતી. વલ્લભભાઈને મળ્યા બાદ ગાંધીજી ગુજરાત મામલે એકદમ નિશ્ચિંત થઈ ગયા હતા.

સંદર્ભ

– સરદાર વલ્લભભાઈ પટેલ By નરહરી ડી. પરીખ
– અમારા સરદાર By દયાશંકર ભ. કવિ
– ગાંધીજીની લડત By શાંતિ શાહ અને મહેન્દ્ર સિંહા
– સત્યના પ્રયોગો By મોહનદાસ કરમચંદ ગાંધી